જામનગર તાલુકાના બેડ ગામ નજીક નંદનિકેતન ટાઉનશીપમાં રહેતાં વિપ્ર પ્રૌઢના બંધ મકાનના અજાણ્યા તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 4,58,000ની માલમત્તાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસલની મદદ વડે ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ જામનગર-ખંભાળિયા રોડ ઉપર બેડ ગામ નજીક આવેલી નંદનિકેતન સોસાયટીના બ્લોક નંબર બી-17માં રહેતા મૂળ મધ્યપ્રદેશના બિરલા ગામ વિસ્તારના વતની અને હાલ નંદનિકેતન ટાઉનશીપમાં રહેતા અને નોકરી કરતાં નિતિનભાઇ યશવંતભાઇ દીક્ષિત (ઉ.વ.54) નામના પ્રૌઢના તા. 18ના બપોરે એક વાગ્યાથી તા. 19ના સવારે સાડા સાત વાગ્યા સુધી બંધ રહેલા મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ કરી દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમના કબાટની તિજોરીના ખાના ખોલી તેમાંથી રૂપિયા 60 હજારની કિંમતના એક-એક તોલાના સોનાના બે ચેઇન, 15 હજારની કિંમતની પાંચ ગ્રામની બે બુટી, રૂા. 45 હજારની કિંમતનું 15 ગ્રામનું સોનાનું લોકેટ, રૂા. 15 હજારની કિંમતની 3 વિંટી, રૂા. 45 હજારની કિંમતનો સોનાનો દોઢ તોલાનો સેટ, રૂા. દોઢ લાખની કિંમતની પાંચ તોલાની સોનાની ચાર બંગડી અને રૂા. 90 હજારની કિંમતનું ત્રણ તોલાનું મંગળસૂત્ર તથા સોનાનો એક દાણો અને ચાંદીના બે નંગ ઝાંઝરા તથા ત્રણ કટોરી અને દીવો તેમજ રૂા. 13 હજારની રોકડ રકમની ચોરી કરી હતી. તથા બીજા રૂમમાંથી રૂા. 15 હજારની કિંમતના પાંચ ગ્રામના સોનાના બે બુટિયા અને એક હજારની કિંમતનો સોનાનો દાણો મળી કુલ રૂા. 4,58,000ની માલમત્તા ચોરી કરી ગયા હતા.
ત્યારબાદ બનાવ અંગેની જાણ નીતિનભાઇ દ્વારા કરવામાં આવતાં ઇન્ચાર્જ પીઆઇ એ. એલ. બારસિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ એફએસએલ તથા ગુનાશોધક શ્વાનની મદદ વડે લાખોની માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલવા કમર કસી હતી.


