જામનગર જિલ્લાના ધ્રોલ ગામના વાડી વિસ્તારમાં તૂટી ગયેલા પોલ રીપેર કરવાની જાણ કરવા છતાં 45 દિવસ સુધી પીજીવીસીએલની ટીમે બેદરકારી દાખવી પોલ રીપેર ન કરતા ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યા છે.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામના બરનાલા વાડી વિસ્તારમાં ખેતરમાં પીજીવીસીએલનો એક પોલ તૂટી ગયો છે અને આ તૂટી ગયેલો પોલ બદલાવવા માટે પીજીવીસીએલમાં 45 દિવસ પહેલાં જાણ કરવામાં આવી હતી પરંતુ બેદરકાર એવા પીજીવીસીએલના તંત્રએ અવગણના કરી પોલ બદલાવ્યો ન હતો. જેના કારણે હાલમાં સ્થિતિ વણસી ગઇ છે ઉપરાંત પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા બે વાર સ્થળનું નિરીક્ષણ અને સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પોલ બદલાવવાની કામગીરી ખોરંભે ચડી ગઈ હતી. હાલ આ વિસ્તારમાં ખેડૂતો જીવના જોખમે ખેતી કામ કરી રહ્યા છે. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ, આગામી દિવસોમાં જો પીજીવીસીએલ ગંભીરતા દાખવીને પોલ રીપેરીંગ નહીં કરે તો ખેડૂતોની હાલત કફોડી બની જશે. શું પીજીવીસીએલનું તંત્ર કોઇ જાનહાની થાય પછી જ પોલ બદલાવશે?