લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતાં પ્રૌઢએ 112 જનરક્ષકની ગાડી આવતાં બીકમાં રૂમ પરથી કૂદકો મારતા પથ્થરમાં અથડાતાં ગંભીર ઇજા પહોંચવાથી મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ અમૃતસરના ભંગાલી કલનનો વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલા બુધાભાઇના મકાનમાં ભાડે રહેતાં બલજિતસિંઘ લખનસિંઘ (ઉ.વ.51) નામના શ્રમિક યુવાનને શનિવારે વહેલી સવારના સમયે તેના રૂમ પર કોઇ વ્યક્તિઓ સાથે બોલાચાલી થઇ હતી. દરમ્યાન કોઇએ 112 જનરક્ષકમાં ફોન કરી દેતાં થોડાં જ સમયમાં 112 જનરક્ષકની ગાડી આવતાં ભયભીત થયેલા બલજિતસિંઘએ રૂમમાંથી નીચે કૂદકો માર્યો હતો. આ કૂકદો મારતા સમયે નીચે પડેલો પથ્થર પ્રૌઢના માથામાં લાગતા ગંભીર ઇજાઓ થઇ હતી. બાદમાં પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન રવિવારે સાંજે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની નિર્મલસિંઘ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


