સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક હોટલો, આરામ ગૃહના નામથી ખોટી વેબસાઈટ બનાવીને છેતરપિંડી આચરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં દ્વારકાની વિટ્સ હોટેલના સંચાલક દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે દ્વારકામાં જૂની નગરપાલિકા સામે આવેલી વીટ્સ હોટલના એડમિનિસ્ટ્રેટર ઉદયકુમાર ઈશ્વરલાલ દવે (ઉ.વ. 65) એ દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ વિટસ દેવભૂમિ હોટલ (રાધે રિયાલિટી કંપની) ની ઓફિશિયલ વેબસાઈટના બદલે ***** 19616 મોબાઈલ નંબર ધરાવતા શખ્સએ આયોજનબદ્ધ રીતે ગૂગલ સર્ચમાં તેમની હોટલના નામે ઓનલાઈન બુકિંગમાં પોતાના નંબર આપી અને અહીં આવતા દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે હોટેલમાં રૂમ બુકિંગ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી.
આમ, આરોપી મોબાઈલ નંબર ધારક શખ્સ દ્વારા વીટ્સ હોટલના નામનો દુરુપયોગ કરી અને અહીં આવતા યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 120 (બી), 34 તથા આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ સાય બર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ ચલાવી રહ્યા છે.