જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રી સફાઇ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સફાઇ કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને સફાઇ કામદારોની કામગીરીને બિરદાવી હતી. તેમજ હાપા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઇ કામદારો માટેના ફૂડ પેકેટ તૈયાર કરાયા હોય, જેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદની સાથે મેયર સહિતના પદાધિકારીઓ તથા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા 2 ઓક્ટોબરને ગાંધી જયંતીના દિવસથી નગરને સ્વચ્છ રાખવા માટેનું સ્વચ્છતા આંદોલન શરૂ કરાયું છે, અને પ્રતિદિન 4 ઝોનમાં રાત્રી સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે હાથ ધરાઈ રહેલા સફાઈ અભિયાનમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા, અને તેઓએ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી તમામ પદાધિકારીઓ તથા સફાઈ કામદારોને અભિનંદન પાઠવ્યા હતા, સાથો સાથ તેઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સફાઈ અભિયાન ને જન આંદોલન બનાવી દેવા માટે પણ સર્વે નગર જનોને અપીલ કરી હતી. જામનગર શહેરને ’ક્લીન અને ગ્રીન’ બનાવવા માટે ના આ અભિયાનને જન આંદોલનમાં પરાવર્તિત કરી દેવા માટે સૌ જામનગરની પ્રજાને અપીલ કરતાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ સફાઈ અભિયાન એ મહાનગરપાલિકાની તો ફરજ છેજ, અને તે અચુક નિભાવીને સફાઈ કરી રહ્યા છે, પરંતુ મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી અને દંડક કેતનભાઇ નાખવા સહીતની ટીમને અભિનંદન પાઠવી આ કાર્યમાં સૌ નગરજનો જોડાય તેવી ખાસ અપીલ કરી હતી.
પોતાના ઘર અથવા વ્યવસાયના સ્થળ આસપાસ કચરો નહીં ફેંકીને ડસ્ટબીનમાં નાખવા અથવા જરૂરી સફાઈ રાખવા માટે પણ ખાસ વિનંતી કરી હતી. તેમજ નગર ને ગ્રીન બનાવવા માટે વધુ વૃક્ષો વાવવા માટેની અપીલ કરી હતી.
હાલમાં ભારતના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ’મારી માટી મારો દેશ’ અભિયાન માં કળશ યાત્રા હેઠળ પોતાના ઘર માંથી માટી એકત્ર કરીને દિલ્હીમાં નિર્માણ પામી રહેલા શહીદ વન માટે મોકલવા માટે વિનંતી કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ ભાર મૂક્યો હતો.
સફાઈ અભિયાન દરમિયાન રાત્રિના સમયે હાપા સ્થિત જલારામ મંદિર સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણી સહિતની ટીમ દ્વારા સફાઈ કામદારોને જલારામ બાપાની પ્રસાદી રૂપેના ફૂડ પેકેટ આપવામાં આવે છે. તે પ્રક્રિયાને પણ બિરદાવી હાપા જલારામ સેવા ટ્રસ્ટની ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
જ્યારે જામનગરના સફાઈ કામદારોના તમામ યુનિયનના નેતાઓ દ્વારા પણ નગરને સ્વચ્છ બનાવવા માટેના અભિયાનમાં પોતે શહેરને સ્વચ્છ રાખવા માટે હર હંમેશ તત્પર રહેવા માટે ખાતરી આપતાં તેઓને પણ સાંસદે શુભકામનાઓ પાઠવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમની સાથે મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, પૂર્વમેયર અને કોર્પોરેટર બીનાબેન કોઠારી, કોર્પોરેટરો મુકેશભાઇ માતંગ, ડિમ્પલબેન રાવલ, ગોપાલભાઇ સોરઠીયા, અરવિંદભાઇ સભાયા સહિતના કોર્પોરેટરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.