Wednesday, August 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે ‘વર્ષાવસ’ (વર્ષાવસા)નું આયોજન - VIDEO

જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે ‘વર્ષાવસ’ (વર્ષાવસા)નું આયોજન – VIDEO

જામનગર સ્થિત આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મ સંઘ અને સમસ્ત ધમ્મ બંધુઓના સહયોગથી પવિત્ર ‘વર્ષાવસ’ (વર્ષાવસા) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભદન્ત પ્રજ્ઞારત્ન થેરોએ વર્ષાવસના આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ પર વિગતવાર પ્રકાશ ફેંક્યો હતો.

- Advertisement -

ઇન્ટરવ્યૂ દરમિયાન ભદન્ત પ્રજ્ઞારત્ન થેરોએ જણાવ્યું હતું કે, વર્ષાવસની પરંપરા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના સમયથી ચાલી આવે છે. અષાઢ મહિનાની પૂનમથી શરૂ કરીને આસો (અથવા કાર્તિક) મહિનાની પૂનમ સુધીના ત્રણ થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન બૌદ્ધ ભિક્ષુઓ અને જૈન મુનિઓ એક જ સ્થળે (વિહારમાં) સ્થિર રહીને સાધના કરે છે.

- Advertisement -

ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે રસ્તાઓ પર અનેક સૂક્ષ્મ જીવ-જંતુઓ ઉત્પન્ન થતા હોય છે. જો ભિક્ષુઓ આ સમય દરમિયાન પદયાત્રા કે પ્રવાસ કરે, તો અજાણતાં જ પગ તળે કચડાઈને આ જીવોની હિંસા થવાની શક્યતા રહે છે, જેનાથી અહિંસાના પ્રથમ શીલનો ભંગ થાય છે. આ ઉપરાંત, વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભિક્ષુઓને રહેવા અને પ્રવાસ કરવામાં ઘણી તકલીફો પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ્ઞાની ભગવંતોએ વર્ષાવસ દરમિયાન એક જ વિહારમાં રોકાઈને સાધના કરવાનો નિયમ બનાવ્યો હતો.

- Advertisement -

વર્ષાવસ દરમિયાન ભિક્ષુઓ વિહારમાં રહીને મેત્તા ભાવના (મેત્રી ભાવના), ધ્યાન સાધના, ધમ્મપદનું પઠન તથા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચિત ’ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ’ જેવા મહાન ગ્રંથોનું વાંચન અને ચિંતન કરે છે. આ સમયગાળા દરમિયાન ધમ્મ બંધુઓ અને શ્રદ્ધાળુઓ એકત્રિત થઈને ભિક્ષુઓની જીવનજરૂરી ચીજવસ્તુઓની પૂર્તિ કરે છે અને તેમની સેવા-ભક્તિનો લાભ લે છે. આ આયોજન દ્વારા લોકોને સન્માર્ગે જીવવાની કળા શીખવવામાં આવે છે અને સમાજમાં પરસ્પર ભાઈચારાનું નિર્માણ થાય છે.

ભદન્ત પ્રજ્ઞારત્ન થેરોએ ઉમેર્યું હતું કે ઉપસંપદા પ્રાપ્ત કર્યા પછીનો તેમનો આ 16મો વર્ષાવસ છે, જે જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે યોજાઈ રહ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે જામનગરના સમસ્ત બૌદ્ધ ધર્મ સંઘે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

અંતમાં, તેમણે જામનગરના તમામ નાગરિકોના સુખી અને સમૃદ્ધ જીવન માટે મંગલકામના વ્યક્ત કરી હતી. તેમણે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે સૌનું કલ્યાણ થાય, સૌ નિર્ભય, નિરોગી અને સુખી રહે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular