રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામો, તેમજ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર કામોની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. પંચાયત અને સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ પરિસ્થિતિનો તાગ મેળવી મંત્રીએ નવા કાર્યોની તેમજ, ચેકડેમ રિપેરિંગની કામગીરી, અમૃત સરોવરની આજુબાજુમાં બ્યુટીફીકેશનની કામગીરી અંગેની માહિતી મેળવી તમામ કામો યોગ્ય રીતે સૂચારૂ આયોજન સાથે હાથ ધરવામાં આવે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી રમેશભાઈ મૂંગરા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક ચૌધરી તેમજ અન્ય અધિકારી ઓ હાજર રહ્યા હતા.