દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસની ટીમે ભાટીયા ટાઉનમાં ટેકનોલોજીના માધ્યમથી ચાલતા હાઈટેક ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ કર્યો છે. બસ સ્ટેશન ચોક પાસે જાહેરમાં મોબાઈલ મારફતે ઓનલાઈન આઈડી ચલાવી ક્રિકેટ કે અન્ય આઈડી પર જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રોકડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. જ્યારે દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર અને જુદી-જુદી 20 જેટલી આઈડી યુઝર્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તા. 27-05-2026ના મોડી રાત્રિના 23:55 વાગ્યાથી તા. 28-05-2026ના વહેલી સવારના 00:45 વાગ્યા દરમિયાન દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ની ટીમે ભાટીયા ટાઉનમાં બસ સ્ટેશન ચોક પાસે દરોડો પાડ્યો હતો. આ સ્થળે એક શખ્સ જાહેરમાં પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈડી ખોલીને જુગાર રમાડતો હોવાનું પોલીસ રેડ દરમિયાન ખુલાસો થયો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી કરણ ધમા હાલ દુબઈ રહેતા અને મૂળ ખંભાળિયાના પ્રવિણ ડોસાણી નામના શખ્સ પાસેથી પોતાના મોબાઈલમાં માસ્ટર આઈડી મેળવતો હતો. ત્યારબાદ તે આ માસ્ટર આઈડીમાંથી જુદા-જુદા યુઝર્સને ઓનલાઈન આઈડી અને યુઝરનેમ આપીને ઓનલાઈન જુગાર રમાડી પોતાનો આર્થિક લાભ મેળવતો હતો.આ દરોડા દરમ્યાન એન્ડ્રોઇડ મોબાઈલ ફોન 02 નંગ (કિંમત રૂ.20,500), ઓનલાઈન જુગારના વ્યવહારો દર્શાવતા 09 પેજના સ્ક્રીનશોટ તેમજ સ્ક્રીનશોટની સોફ્ટ કોપી ધરાવતી પેનડ્રાઈવ સહીત કુલ રૂ. 22,500નો મુદ્દામાલ જપ્ત કર્યા હતાં.
કરણ હરજુકભાઇ ધમા (ઉ.વ. 23, ધંધો-ખેતી તથા ચાની દુકાન, રહે. હરસિદ્ધિ નગર સોસાયટી, ભાટીયા) – (ઝડપાયેલ) 2. પ્રવિણ ડોસાણી (રહે. હાલ દુબઈ, મૂળ રહે. ખંભાળિયા) – માસ્ટર આઈડી આપનાર મુખ્ય સૂત્રધાર (ફરાર) 3. અન્ય 20 ફરાર ઓનલાઈન આઈડી યુઝર્સ: Abcd754, Akbarr221, Amar3421, Bhaya4217, Dd0300, Dwarkadhis213, Jayy7788, Kishan21366, Kishan7867, Pravin2544, Pravinn432, Rahim2341, Rahul44331, Rajj567321, Rockyy331, Rohit6s321, Sonal231 અને Vxy4871 સહિતના ફરારી આઈડી ધારકો.
આ હાઈટેક દરોડા અંગે દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ. પ્રવિણભાઇ પરબતભાઇ માડમની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 (અ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરી એલ.સી.બી.ના એ.એસ.આઈ. ડાડુભાઇ વી. જોગલ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ગુનો એ.એસ.આઈ. અંજલીબેન મકવાણા દ્વારા દાખલ કરાયો હતો. કેસની આગળની વધુ સઘન તપાસ કલ્યાણપુર પોલીસ મથકના પો.હેડ કોન્સ. માલદેભાઇ કે. બરાઇ ચલાવી રહ્યા છે.


