જામનગરના જૈન સમાજ માટે અત્યંત ભાવુક અને શ્રદ્ધાભર્યો પ્રસંગ સર્જાયો છે. જૈન મૂર્તિપૂજક સંપ્રદાયના સુશ્રાવક અને ઉગ્ર તપસ્વી તરુણભાઈ મોહનલાલ મહેતાનું 22મા ઉપવાસે સંથારાપૂર્વક દેહ પરિવર્તન થતાં જૈન સમાજમાં શોકની સાથે તેમની તપસ્યા પ્રત્યે ગૌરવ અને આદરની લાગણી વ્યાપી ગઈ છે. તેમના જીવન દરમિયાન કરેલી કઠિન સાધના અને ધાર્મિક આરાધનાને કારણે તેઓ સમાજમાં વિશેષ સ્થાન ધરાવતા હતા.

મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની તરુણભાઈ મહેતાએ બાળપણથી જ ધર્મ, તપ અને સંયમનો માર્ગ અપનાવ્યો હતો. જીવનભર તેમણે અનેક પ્રકારની આકરી તપશ્ર્ચર્યાઓ કરી જૈન ધર્મના સિદ્ધાંતોને આત્મસાત કર્યા હતા. છેલ્લા સાત વર્ષથી તેઓ જામનગરમાં સ્થાયી થઈ ધર્મમય જીવન જીવતા હતા અને સતત આરાધના, ઉપવાસ તથા સાધનામાં લીન રહેતા હતા.
તેમણે જામનગરમાં રહીને વર્ષીતપ, માસક્ષમણ, સાત ઉપવાસ, આઠ ઉપવાસ, બાર ઉપવાસ તેમજ બેતાલીસ ઉપવાસ જેવી અત્યંત કઠિન તપસ્યાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમની આ ઉગ્ર સાધનાએ જૈન સમાજમાં પ્રેરણારૂપ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અનેક શ્રાવકો માટે તેઓ ત્યાગ, સંયમ અને આધ્યાત્મિક જીવનના જીવંત ઉદાહરણ બન્યા હતા.
તરુણભાઈની 45 ઉપવાસ કરવાની ભાવના હતી. જોકે આરાધનાના આ માર્ગમાં તેમણે આજીવન સંથારો સ્વીકારવાનો નિર્ધાર કર્યો હતો. અન્ન અને જળનો ત્યાગ કરીને તેમણે સંથારાની આરાધના શરૂ કરી હતી. એક પછી એક દિવસની સાધના દરમિયાન તેઓ 22મા ઉપવાસ સુધી પહોંચ્યા હતા અને રાત્રે સૂર્યાસ્તના પવિત્ર સમયે શાંતિપૂર્વક દેહનો ત્યાગ કર્યો હતો.
View this post on Instagram
જૈન ધર્મમાં સંથારાને આત્મકલ્યાણ અને સમાધિમરણનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. સંયમ, સમતા અને વૈરાગ્ય સાથે જીવનના અંતિમ ક્ષણોને સ્વીકારવાનો આ માર્ગ અત્યંત વિરલ અને આધ્યાત્મિક માનવામાં આવે છે. જૈન આગેવાનોના જણાવ્યા મુજબ હજારો શ્રાવકોમાં કોઈ એક વિરલ આત્માને જ આવી આરાધના અને સમાધિ પ્રાપ્ત થતી હોય છે.
આ પ્રસંગે જૈન અગ્રણી મનીષાબેન રમેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે તપસ્વી તરુણભાઈના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય અને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાનના ચરણોમાં સંયમ પ્રાપ્ત કરીને મોક્ષમાર્ગે આગળ વધે તેવી સમગ્ર જૈન સમાજની મંગળ ભાવના છે.
તેમની અંતિમ પાલખી યાત્રા પટેલ કોલોની, શેરી નં. 6 સ્થિત કૃષ્ણા એપાર્ટમેન્ટ ખાતેના નિવાસસ્થાનથી નીકળી હતી. વૈરાગ્ય અને ભક્તિભાવથી ભરપૂર આ યાત્રામાં જામનગર શહેરના હજારો જૈન તેમજ જૈનેતર ભાઈ-બહેનો જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ તપસ્વીના જીવન અને ત્યાગને નમન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તરુણભાઈ મહેતાનું સમગ્ર જીવન ત્યાગ, સંયમ અને તપશ્ચર્યાનું પ્રતિક રહ્યું હતું. તેમના દેહ પરિવર્તનથી જૈન સમાજે એક પ્રેરણાદાયી તપસ્વી ગુમાવ્યો છે, પરંતુ તેમની સાધના અને આધ્યાત્મિક જીવનયાત્રા આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.


