દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં ક્લાર્કને ગઇકાલે એસીબીની ટીમે ગઇકાલે રૂપિયા ત્રણ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો એ લાલઆંખ કરી છે. કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અને અરજદારો સાથે અવારનવાર તોછડું વર્તન કરવા માટે પંકાયેલા ક્લાર્ક રવિ ભરડીયાને એસીબીની ટીમે રૂપિયા 3,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના આ સફળ ઓપરેશનથી સ્થાનિક સરકારી કચેરીઓમાં લાંચિયા કર્મચારીઓ વચ્ચે ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, એક જાગૃત અરજદાર પાસે તેના કાયદેસરના કામ અર્થે ક્લાર્ક રવિ ભરડીયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. અરજદાર લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. જેને પગલે એસીબીની ટીમ દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલી એક વકીલની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગઈકાલે વહીવટી પ્રક્રિયા દરમિયાન આરોપી ક્લાર્ક રવિ ભરડીયા વકીલની ઓફિસમાં જ અરજદાર પાસેથી રૂપિયા 3,000ની લાંચની રોકડ રકમ સ્વીકારતા એસીબીની ટીમના હાથે રંગેહાથ આબાદ ઝડપાઈ ગયો હતો.
સ્થાનિક લોકો અને અરજદારોના જણાવ્યા અનુસાર, તાલુકા પંચાયતમાં રવિ ભરડીયા સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો. તે કચેરીએ આવતા સામાન્ય નાગરિકો સાથે અત્યંત તોછડું વર્તન કરતો, લોકોના કાયદેસરના કામોને પણ દિવસો સુધી ટલ્લે ચડાવતો અને પૂછપરછ કરવા પર ઊલટા-સૂલટા જવાબો આપીને ધક્કા ખવડાવતો હતો. જામ કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીમાં “હું મોટો ને બજાર સાંકળી” જેવો મનસ્વી વહીવટ ચાલતો હોવાથી લોકો કંટાળી ગયા હતા. સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, પકડાયેલો રવિ તો માત્ર એક પ્યાદો છે, તેની પાછળના મોટા માથાઓ સુધી તપાસ લંબાય તે જરૂરી છે. એસીબીએ ગુનો નોંધી લાંચના નાણાં કબ્જે કરી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.


