Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઝાડવાઓને પાણી પીવડાવવા 12.5 લાખ ખર્ચશે જામ્યુકો

જામનગરમાં ઝાડવાઓને પાણી પીવડાવવા 12.5 લાખ ખર્ચશે જામ્યુકો

જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં કુલ 5.79 કરોડના જુદા જુદા કામોને મંજૂરી : 10 લાખના ખર્ચે ટ્રી ગાર્ડ પણ ખરીદવામાં આવશે

- Advertisement -

જામનગર મહાપાલિકામાં નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ યોજાયેલી સ્થાયી સમિતિની પ્રથમ નિયમિત બેઠકમાં શહેરમાં જુદા જુદા કામો માટે કુલ રૂા. 5.79 કરોડના ખર્ચને મંજૂરી આપવમાં આવી છે. જેમાં જુદા જુદા સિવિલ કામને રેઇટ કોન્ટ્રેકટ ઉપરાંત જુદા જુદા વિભાગો માટે જરૂરી માલ-સામાનની ખરીદી, વોટર વર્કસ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેના ખર્ચનો સમાવેશ થાય છે. ખાસ તો શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવેલા પ્લાન્ટેશનને નિયમિત પાણી પીવડાવવા માટે સાડા બાર લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે.

- Advertisement -

સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને ગઇકાલે જામ્યુકોની સ્થાયી સમિતિની પ્રથમ નિયમિત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડે.મેયર તપન પરમાર, નાયબ કમિશનર વસ્તાણી, સમિતિના અગિયાર સભ્યો અને જુદા જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટમાંથી જુદા જુદા વિસ્તારોમાં અપગ્રેડેશન અને બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂા. 25 લાખના રેઇટ કોન્ટ્રેકટ મંજૂર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સરકારી વિભાગો અને ખાનગી કંપનીઓ દ્વારા પાઇપલાઇન, કેબલ વિગેરે બિછાવવા માટે કરવામાં આવતા ચરેડા પૂરવા માટે કુલ રૂા. 50 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. ગટરના કામોની મરામત તેમજ નવી ગટરો બનાવવા માટે 80 લાખના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. શહેરના ચારેય ઝોનના ભૂગર્ભ ગટરના વિસ્તૃતિકરણ અને મજબૂતિકરણ માટે 80 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોમ્પ્યુટર શાખામાં નેટવર્ક, સર્વર, રાઉટર વગેરેના મેઇટેનન્સ માટે વાર્ષિક 29 લાખનું ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

વોટર વર્કસ શાખા માટે જુદી જુદી સામગ્રીઓ ખરીદવા તેમજ મેઇટેનન્સ માટે 47 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જ્યારે મહાનગર સેવા સદનની ફાયર શાખા માટે ફાયરના સાધનો ખરીદવા રૂા. 5 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું. બેઠકમાં વર્ષ 2021-22 દરમિયાન રૂા. 10 લાખના ખર્ચે ગાર્ડન શાખા માટે રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ખરીદવામાં આવનારા ટ્રી ગાર્ડ પૈકી દરેક સભ્યને 10-10 નંગ તેમજ પદાધિકારીઓને 25-25 નંગ ટ્રી ગાર્ડ ફાળવવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ માટે જો કોઇ સંસ્થા ટ્રી ગાર્ડની માંગણી કરશે તો તેમની પાસેથી 50 ટકા રકમ વસુલીને ટ્રી ગાર્ડની ફાળવણી કરવામાં આવશે. શહેરની જુદી જુદી સોસાયટીમાં ખાનગી ધોરણે સફાઇના કામ માટે રૂા. 90 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જ્યારે લાઇટ શાખામાં નાયબ કાર્યપાલક ઇજનેરનો કોન્ટ્રાકટ 11 માસ વધારી દેવામાં આવ્યો છે. આમ બેઠકમાં કુલ 5.79 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular