Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરશાબાશ જામ્યુકો : આવી જ સ્પિરીટ જાળવી રાખજો...VIDEO

શાબાશ જામ્યુકો : આવી જ સ્પિરીટ જાળવી રાખજો…VIDEO

નિર્ધારિત સમય પહેલાં જ જામ્યુકોના તંત્રએ અંબર ચોકડી જંકશનનું કામ પૂર્ણ કર્યું : વાહન ચાલકોને મોટી રાહત : લોકરોષનો અભૂતપૂર્વ પ્રતિસાદ : સાંસદ, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, કમિશનર, સીટી ઇજનેર, એસપીએ સંકલન સાધી દાખલો બેસાડયો : હવે આવી જ ઝડપ સાત રસ્તા સર્કલના કામમાં લાવવી જરૂરી

- Advertisement -

મન હોય તો માળવે જવાય…આ કહેવતને જામ્યુકોએ આખરે ચરિતાર્થ કરી બતાવી છે. પોતાની કાર્યપધ્ધતિથી કાયમ ટીકાઓનું ભોગ બનતું જામ્યુકોનું તંત્ર તેની કાર્યપધ્ધતિમાં સુધારો કરીને આજે શાબાશીનું હકકદાર બન્યું છે. અંબર ચોકડી પાસે વરસાદી કેનાલનું કામ નિર્ધારિત સમય પહેલાં જ પૂર્ણ કરીને તંત્રએ દાખલો બેસાડયો છે. એટલું જ નહીં વાહન ચાલકોને તેની અપેક્ષા કરતાં વહેલાં રાહત આપી ચોંકાવી દીધા છે.

- Advertisement -

જામનગરમાં ચાલતા ફલાયઓવરના કામ અંતર્ગત અંબર ચોકડી પાસેથી પસાર થતી વરસાદી પાણીની કેનાલના કામ માટે જામ્યુકોના તંત્ર દ્વારા આ અતિ વ્યસ્ત જંકશનને 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જંકશન બંધ થતાં જ આ માર્ગ પર તેમજ ગુરૂદ્વારા ચોકડી પાસે ભયંકર ટ્રાફિક જામને કારણે અંધાધૂંધી સર્જાઇ ગઇ હતી. દિવસો સુધી ચાલેલી આ ટ્રાફિક અંધાધૂંધીને કારણે જામ્યુકોનું તંત્ર અને તેના સતાધિશો ભારે ટીકાનો ભોગ બન્યા હતા. એટલું જ નહીં આયોજન વગર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે શહેરીજનોમાં તંત્ર સામે રોષની લાગણી પણ પ્રસરી ગઇ હતી. શહેરીજનોમાં મચેલા હોબાળાને પગલે ‘હોતી હૈ ચલતી હૈ’ ની પોતાની જુની કાર્યપધ્ધતિ છોડીને જામ્યુકોના સતાધિશો અને અધિકારીઓ તુરંત જ હરકતમાં આવી ગયા હતા. લોકોનો આક્રોશ વધે તે પહેલાં જ મેયર, કમિશનર, સ્ટેન્ડીંગ ચેરમેન, સીટી ઇજનેર, એસપી સહિતના ટોચના અધિકારીઓ સ્થળ પર મુલાકાતે દોડી ગયા હતા અને લોકોની મુશ્કેલીઓ નિવારવા હકારાત્મક અભિગમ હાથ ધર્યો હતો. શહેરીજનોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હરકતમાં આવી ગયા હતા. જેમણે અધિકારીઓ સાથે કામના સ્થળની મુલાકાત લઇને કઇ રીતે આ કામ ઝડપથી પૂર્ણ થાય અને વાહન વ્યવહાર માટે રસ્તો પૂર્વવત થાય તે માટે ચર્ચા વિચારણા કર્યા બાદ કોન્ટ્રાકટર સાથે પરામર્શ કરી આ કામને યુધ્ધના ધોરણે એટલે કે, દિવસ-રાત પૂરી સ્ટ્રેન્થ સાથે હાથ ધરવાની સૂચનાઓ આપી હતી. જેના ફળ સ્વરૂપે આજે સવારથી જ નિર્ધારિત સમય મર્યાદા પહેલાં આ જંકશનને ટ્રાફિક માટે પૂર્વવત કરી શકાયો છે. ત્યારે જે સંકલન અને ઇચ્છાશકિતથી જામ્યુકોના તંત્રના અધિકારીઓ તથા સતાધિશોએ કાર્ય કર્યું છે. તે ખરેખર શાબાશીને પાત્ર બન્યું છે. પરંતુ જામ્યુકોના તંત્રની કામ કરવાની ધગશ આટલેથી પૂરી થઇ જતી નથી. હજુ પણ ટ્રાફિક માટે અત્યંત મહત્વના એવા સાત રસ્તા સર્કલ પર ફલાય ઓવરનું કામ ચાલી રહયું છે. જે ઝડપ અંબર જંકશનના કામમાં દર્શાવવામાં આવી છે તેવી જ ઝડપ સાત રસ્તા સર્કલના કામમાં પણ જરૂરી બની છે. ‘ખબર ગુજરાતે’ અગાઉ અનેક વખત સાત રસ્તા સર્કલની ટ્રાફિક સમસ્યા ઉજાગર કરી છે. તેમજ અહીં ચાલતા ફલાય ઓવરના કામને પ્રાથમિકતા આપી યુધ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવે તો ઓછામાં ઓછા સમયમાં સર્કલનું કાર્ય પૂર્ણ થઇ શકે તેવું સૂચન તંત્રને કર્યુ હતું. અંબર ચોકડીએ દાખલો બેસાડનાર જામ્યુકોના તંત્રએ પ્રજાલક્ષી અને કામ કરતું તંત્ર હોવાનું પ્રસ્થાપિત કરવા માટે સાત રસ્તા સર્કલના કામમાં પણ આવી જ ઝડપ લાવવી પડશે. જેથી શહેરીજનોને ઓછામાં ઓછો સમય મુશ્કેલીઓનો સામનો કરવો અને વહેલામાં વહેલી તકે ફલાય ઓવરની સુવિધા ઉપલબ્ધ બની શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular