Tuesday, June 9, 2026
Homeવિડિઓપુરૂષોત્તમ માસ નિમિતે દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો - VIDEO

પુરૂષોત્તમ માસ નિમિતે દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો – VIDEO

‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે જગત મંદિર બન્યુ ભકિતમય

અધિક માસ એવા પવિત્ર પુરુષોત્તમ માસના શુભ અવસરે વિશ્વવિખ્યાત શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જગતમંદિર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને ક઼ષ્ણભકિતના રંગે રંગાઈ ગયું હતું. જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે રાત્રિના સમયે વિશેષ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

પુરુષોત્તમ માસની આઠમે આ વિશેષ મહોત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ભક્તોએ હાજરી આપી હતી. મંદિર પરિસરમાં સતત શ્રીકૃષ્ણના ગુણગાનથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ભક્તો ‘રાધે-કૃષ્ણ’ અને ‘જય દ્વારકાધીશ’ના જયઘોષ સાથે ભક્તિમાં લીન બન્યા હતા.

રાત્રિના બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની પાવન ક્ષણ આવતા જ સમગ્ર મંદિર પરિસર આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યું હતું. મંદિરના શિખરો અને સભામંડપોમાં ઘંટનાદ, શંખનાદ અને જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. ભગવાનના જન્મ પ્રસંગે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજારી પરિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી ઉતારી હતી.

- Advertisement -

ભગવાન શ્રી દ્વારકાધીશને વિશેષ શણગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. રંગબેરંગી પુષ્પો, આકર્ષક વસ્ત્રો અને દિવ્ય આભૂષણોથી સજ્જ ઠાકોરજીના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા. જન્મોત્સવની ઉજવણી દરમિયાન પરંપરાગત રીતે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના ગાન સાથે સમગ્ર મંદિર ભક્તિમય બની ગયું હતું.

- Advertisement -

આ પ્રસંગે મંદિરના પૂજારી પરિવાર, સ્થાનિક આગેવાનો, સેવકો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. બહારગામથી આવેલા ભક્તોએ પણ આ દિવ્ય અને અલૌકિક ક્ષણોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પુરુષોત્તમ માસ દરમિયાન ઉજવાયેલો આ જન્માષ્ટમી મહોત્સવ ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિ બની રહ્યો હતો.

દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું અનોખું દ્રશ્ય આ પ્રસંગે જોવા મળ્યું હતું. ભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ હતી અને ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધર્મલાભ મેળવ્યો હતો.

‘જય દ્વારકાધીશ’ના ગુંજતા જયઘોષ વચ્ચે ભવ્ય મહા આરતી, જન્મોત્સવ અને ભક્તિભાવથી છલકાતી ઉજવણી ભક્તો માટે આસ્થા અને આનંદનો અવિસ્મરણીય અવસર બની રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular