જામનગરમાં જર્જરીત 1404 આવાસ સામે જામ્યુકોના તંત્રએ આખરે કડક વલણ અખત્યાર કર્યુ છે. વારંવારની નોટિસ છતાં જર્જરીત આવાસ ખાલી નહીં કરતા રહેવાસીઓને આખરી નોટિસ આપી પાંચ દિવસની મહેતલ આપી છે. ત્યારબાદ જામ્યુકો જર્જરીત આવાસનું ડીમોલીશન કરશે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં થોડા સમય પહેલાં હાઉસીંગ બોર્ડની જર્જરીત ઈમારત ધરાશાયી થયા બાદ જાગેલા જામ્યુકોના તંત્રએ અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ યોજનાના રહેવાસીઓને નોટિસ આપી જર્જરીત મકાનો ખાલી કરી દેવા સૂચના આપી હતી. તેમ છતાં પણ રહેવાસીઓ તરફથી કોઇ રિસ્પોન્સ નહીં મળતા જામ્યુકોના સ્લમ શાખાના નાયબ ઈજનેર સહિતના સ્ટાફે રૂબરૂ પહોંચી જઈ આવાસ ધારકોને જર્જરિત મકાનમાં રહેવાના જોખમોથી માહિતગાર કરી તેમને સમજાવવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ આવાસના રહેવાસીઓ ટસના મસ નહી થતા જામ્યુકોના તંત્રએ રહેવાસીઓને આખરી નોટિસ આપી આગામી પાંચ દિવસમાં જર્જરીત આવાસ ખાલી કરી આપવા તાકીદ કરી છે. ત્યારબાદ જામ્યુકોનું તંત્ર જર્જરીત આવાસનો એક તરફી કબ્જો લઇને ઈમારત તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરશે. ત્યારે આવાસ ધારકોને સરસામાનની નુકસાનીની સંપૂર્ણ જવાબદારી આવાસધારકોની રહેશે.