તાઉતે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ગઇકાલે મોડી સાંજે વાવાઝોડાના ટ્રેલરથી જામનગરવાસીઓ ફફડી ગયા હતા. મોડી સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદી ઝાપટાએ શહેરીજનોને 1998ના વાવાઝોડાની યાદ અપાવી દીધી હતી. શહેરમાં દિવસે 40 ડિગ્રીના આકરા તાપ બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં છવાયેલાં ઘનઘોર વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાતા તાઉતેના આગમનના સંકેતો પ્રાપ્ત થવા લાગ્યા હતા. ચક્રવાતી પવનો સાથે શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. થોડીવાર માટે તો વાવાઝોડાના ટ્રેલર સમાન દ્રશ્યો સર્જાઇ જતાં લોકોમાં ભયનું લખલખું વ્યાપી ગયું હતું. ભારે પવનને કારણે શહેરના લાલબંગલા સર્કલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પોલ ધરાશાયી થઇ ગયો હતો. સદભાગ્યે કોઇ જાનહાનિ થવા પામી ન હતી.
બીજી તરફ ભારે પવન અને વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કલાકો બાદ વીજ પુરવઠો થાળે પાડી શકાયો હતો. પવન સાથે વરસાદે કારણે શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા. તાઉતે વાવાઝોડું સોરાષ્ટ્રના કાંઠાની અત્યંત નજીક આવી ગયું હોય જામનગર જિલ્લાના બેડી સહિતના તમામ બંદરો પર સાવચેતી સૂચક 8 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. જયારે બંદર પરની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં પણ જુદી-જુદી જણસોને સલામત રીતે ખસેડવામાં આવી છે.