જામનગર શહેર તથા ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી પીજીવીસીએલ દ્વારા વધુ 57.57 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. છેલ્લાં ચાર દિવસથી પીજીવીસીએલ દ્વારા સતત વીજચેકીંગ ચાલી રહ્યું છે. ચાર દિવસમાં દોઢ કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ છે. સતત ચાર દિવસના વીજચેકિંગને લઇને વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
પીજીવીસીએલ દ્વારા સતત ચાર દિવસથી જામનગર શહેર-જિલ્લામાં વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારે પીજીવીસીએલની 46 જેટલી ટીમો દ્વારા 10 લોકલ પોલીસ તથા 16 એસઆરપી જવાનોના બંદોબસ્ત સાથે વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના વૈશાલીનગર, બેડેશ્ર્વર, પુનિતનગર, રામેશ્ર્વરનગર, વામ્બે આવાસ, નિલકમલ, મહાકાળી સર્કલ, ઉપરાંત જામનગ તાલુકાના બાલાચડી, સચાણા, દરેડ સહિતના ગ્રામ્ય વિસ્તારોની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 46 જેટલી ટીમોએ કુલ 272 વીજ જોડાણો ચેક કર્યા હતાં. જે પૈકી 98 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ 57.57 લાખની વીજચોરી ઝડપાઈ હતી.
સતત ચાર દિવસ થી ચાલી રહેલ વીજચેકિંગમાં પીજીવીસીએલ દ્વારા અંદાજિત દોઢ કરોડથી વધુની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. 2024 ના વર્ષના અંિમ દિવસોમાં શરૂ થયેલ વીજચેકિંગની કામગીરી 2025 ના પ્રારંભિક દિવસોમાં પણ અવિરત ચાલુ રહી છે.