વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અને દેશની અર્થવ્યવસ્થાને તાત્કાલિક ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને લાવવાના ઉદ્દેશ્ય સાથે, પીએમ મોદીએ વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન, તેમણે નાની આંખોવાળા ગણેશ અને હોળી પર ઘરે આવતા વિદેશી પિચકારીઓનો પણ ઉલ્લેખ કર્યો, જે મુખ્યત્વે ચીનથી આયાત કરવામાં આવે છે.

મંગળવારે ગુજરાતના ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ… આ સમય દરમિયાન, પીએમ મોદીએ મેડ ઇન ઇન્ડિયા પર ગર્વ કરવા અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. સ્વદેશી ઉત્પાદનોને ઓપરેશન સિંદૂર સાથે જોડતા તેમણે કહ્યું કે આ ઓપરેશન ફક્ત સશસ્ત્ર દળોની જવાબદારી નથી પરંતુ તેને માનવશક્તિના સમર્થનની પણ જરૂર છે.
વિદેશી માલનો બહિષ્કાર :-
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોઈ દેશનું નામ લીધું ન હતું, પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટપણે ચીન તરફ હતો. શું ભારત માટે ખરેખર ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવો શક્ય છે? ચાલો જાણીએ આંકડા શું કહે છે?
2024માં ચીન સાથે ભારતની વેપાર ખાધ 48.5 અબજ ડોલર હતી. ભારત ઇલેક્ટ્રોનિક્સ (20%), ફાર્માસ્યુટિકલ્સ (70% API) અને ઓટોમોબાઈલ ભાગો (24%) માટે પડોશી દેશ ચીન પર નિર્ભર છે. જો બહિષ્કારની અપીલ સારી રીતે કામ કરે છે, તો તે વેપાર ખાધ ઘટાડશે અને મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપી શકે છે. પણ આ ફક્ત કહેવા જેટલું સરળ નથી.
નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર 118.4 બિલિયન હતો, જેમાંથી ભારતે 101.75 બિલિયનની આયાત કરી હતી અને માત્ર 16.66 બિલિયનની નિકાસ કરી હતી, જેના કારણે વેપાર ખાધ 85.09 બિલિયન રહી હતી. જો ભારત ચીની માલનો સંપૂર્ણ બહિષ્કાર કરે છે, તો ચીન આ આયાત રકમ (101.75 બિલિયન) ગુમાવી શકે છે. પરંતુ ભારત ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ધણા ઉદ્યોગો માટે કાચા માલ માટે ઘણા ક્ષેત્રોમાં ચીન પર નિર્ભર છે. ચીની વસ્તુઓના બહિષ્કારની ઝુંબેશ પછી 2020માં ચાઇનિઝ માલના વેચાણમાં 25-40 ટકાનો ઘટાડો થયો, જેના કારણે ચીનને અંદાજે 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું. તાજેતરના વર્ષોમાં, ભારતે નાણાકીય વર્ષ 2024-25માં 113.45 બિલિયનના મૂલ્યના ચીની માલની આયાત કરી હતી, જે પાછલા નાણાકીય વર્ષમાં આયાત કરાયેલા 101.73 બિલિયન કરતા 11.5% વધુ છે. ચીનથી ભારતની આયાતમાં બે આંકડાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ભારતીય નિકાસમાં ઘટાડો થયો, જેના કારણે 99.2 બિલિયનની જંગી વેપાર ખાધ થઈ.
ભારત ઘણા વર્ષોથી ચીન સાથે વધતી જતી વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે. કોરોના પહેલા, 2019-20માં ચીન સાથે ભારતની વેપાર ખાધ 48.65 બિલિયન હતી. વૈશ્વિક આર્થિક મંદીને કારણે 2020-21માં તે નજીવું ધટીને 44 બિલિયન થયું. ત્યારથી આ વેપાર ખાધ વધતી રહી. ડેટા દર્શાવે છે કે, ભારતની ચીન સાથેની વેપાર ખાધ 2021-22માં 73.31 બિલિયન, 2022-23માં 83.2 બિલિયન અને 2023-24માં 85.08 બિલિયન હતી.
GTRI અહેવાલ મુજબ, ભારતની ચીનમાં નિકાસ 2019 થી 2024 સુધી વાર્ષિક આશરે 16 બિલિયન પર સ્થિર રહેવાનો અંદાજ છે. તે જ સમયે, ચીનથી ભારતની આયાત 2018-19માં 70.3 બિલિયનથી વધીને 2023-24માં 101 બિલિયનથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ભારત માટે વેપાર ખાધ હોવી સ્વાભાવિક છે.
ભારત મુખ્યત્વે ચીનમાંથી ઇલેક્ટ્રોનિક સામાન, કમ્પ્યુટર હાર્ડવેર, ટેલિકોમ ઉપકરણો, ઇલેક્ટ્રોનિક મશીનરી, પ્લાસ્ટિક અને દવા ઉત્પાદનોની આયાત કરે છે. જ્યારે ભારત ચીનને આયર્ન ઓર, દરિયાઈ ઉત્પાદનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, કાર્બનિક રસાયણો અને મસાલાઓની નિકાસ કરે છે. ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાથી ભારતની આત્મનિર્ભરતા વધી શકે છે. એપલ અને ટેસ્લા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાં રોકાણ કરી રહી છે અને આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત વિશ્વને વધુ સારા વિકલ્પો પ્રદાન કરી શકે છે.
ભારતમાં સ્માર્ટફોનનું વિશાળ બજાર છે અને ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે, સ્વદેશી મોબાઇલ ચિપ્સ વિકસાવવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. ભારતનું આ પગલું સ્માર્ટફોન માર્કેટને નવી પાંખો આપી શકે છે અને ભારતીય ચિપ્સવાળા સ્માર્ટફોન વિશ્વભરમાં પોતાની છાપ છોડી શકે છે. બજેટમાં સૈમિન્ડક્ટર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આ વર્ષે તેનું બજેટ વધીને રૂ. 7 હજાર કરોડથી વધુ થઇ ગયું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત મોબાઇલ ફોનના નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. 2020 પહેલા, ભારત ખૂબ ઓછા સ્માર્ટફોનની નિકાસ કરતું હતું અને તેનાથી વિપરીત, તેની આયાત ઘણી વધારે હતી. પરંતુ નાણાકીય વર્ષ 2019-20 માં પહેલી વાર ભારતે 41.5 મિલિયન ફોનની નિકાસ કરી, જ્યારે આયાત ફક્ત 5.6 મિલિયન સ્માર્ટફોનની હતી. આ ભારતીય મોબાઇલ ઉધોગ માટે એક રેકોર્ડ રહ્યો છે. ICEA ડેટા અનુસાર, 2014 સુધી, ભારતમાં ફક્ત બે ઉત્પાદન એકમો હતા, જેની સંખ્યા 2018 માં વધીને 268 થઈ ગઈ. આ વલણ દર્શાવે છે કે ભારત ઝડપથી મોબાઇલ ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે.
દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ઉપયોગમાં લેવાતા ચીનમાં બનેલા ઇલેક્ટ્રોનિક લાઇટ અને બલ્બ દેશમાં મોટી સંખ્યામાં વેચાય છે કારણ કે તે ભારતીય ઉત્પાદનો કરતાં સસ્તા હોય છે. તેમના સ્થાને, બજારમાં સ્વદેશી LED બલ્બ અને લાઇટ પણ ઉપલબ્ધ છે, જે ચીની ઉત્પાદનો કરતાં વધુ સારી ગુણવત્તાના છે. આના વિકલ્પ તરીકે, આપણે સુશોભન માટે ’વોકલ ફોર લોકલ’ થીમ પર આધારિત સ્થાનિક વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે જો ભાવ કરતાં ગુણવત્તા ઘ્યાનમાં લઇને વસ્તુ ખરીદવામાં આવે તો આપણે પણ આપણા દેશની અર્થવ્યવસ્થાને ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને લાવવામાં આપણો સાથે અને સમર્થન આપી શકીએ છીએ.