કોરોનાને હંફાવવા માટે શરૂ કરવામાં આવેલા રસીકરણના 277 દિવસ પછી આપણે 100 કરોડ ડોઝનો પડાવ પૂરો કરવા જઈ રહ્યા છીએ. બુધવારે રાત સુધીમાં અથવા ગુરૂવારે બપોર સુધીમાં દેશમાં રસીના 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા હશે, જેમાંથી 70 કરોડ લોકોને સિંગલ ડોઝ, જ્યારે 30 કરોડ લોકોના બંને ડોઝ સામેલ હશે.
આધારના ડેટા મુજબ, દેશમાં 94 કરોડ લોકો 18 વર્ષથી વધુ વયના છે. એ મુજબ અત્યારસુધીમાં પુખ્ત વયના 75% લોકોને સિંગલ અને 30.6 % લોકોને બન્ને ડોઝ મળી ગયા છે.દુનિયાભરમાં કોરોનાથી થતાં મોતને લઈને અત્યારસુધીમાં જેટલા પણ અભ્યાસો સામે આવ્યા છે એમાં એક બાબત કોમન છે કે વેક્સિન મુકાવ્યા પછી સંક્રમિત થઈએ તોપણ મોતની શક્યતા 4થી 5 ગણી ઓછી થઈ જાય છે.
ઉદાહરણ તરીકે કેટલાંક સપ્તાહ પહેલાં બ્રિટનમાં દરરોજ 22 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થતા હતા, પણ મોતની સંખ્યા 100થી પણ ઓછી હતી. જ્યારે વેક્સિનેશન પહેલાં 22 હજાર સંક્રમિતોમાં 500થી વધારે લોકોનાં મોત થતાં હતાં. આ જ ટ્રેન્ડ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્પેન અને આયર્લેન્ડમાં પણ જોવા મળ્યો છે.
મુખ્ય વાત એ છે કે મૃત્યુ ઘટવાનું પ્રમાણ ત્યારે શરૂ થયું. જ્યારે આ દેશોમાં 75 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો 1 ડોઝ અપાઈ ચૂક્યો હતો. ભારત પણ હવે આ સ્થિતિમાં આવી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં દેશમાં કોરોનાથી થતાં મોતમાં ઘટાડો થશે.
વિશ્ર્વમાં અત્યાર સુધીમાં માત્ર ચીનમાં લોકોને 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. હવે ભારત પણ આ સીમાચિહ્ન મેળવશે. 40 કરોડ ડોઝ સાથે અમેરિકા બીજા ક્રમે છે. જોકે વસતિ મુજબ રસીકરણમાં ભારત હજુ પણ અમેરિકા તથા યુરોપિયન દેશો કરતાં પાછળ છે.
જોકે ભારતમાં પુખ્તવયના 75% લોકોને સિંગલ ડોઝ આપી દેવાયો છે, તેથી આગામી અઢી મહિનામાં તેમને બીજો ડોઝ મળી જવાની શક્યતા છે. આ થઈ જશે પછી ભારત પુખ્વયના 100% લોકોને ઓછામાં ઓછા એક ડોઝ સાથે 2022ના નવા વર્ષમાં પ્રવેશ કરશે.
વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં સામેલ ભારત
18 વર્ષથી ઉપરની 75 ટકા વસતિને સિંગલ, 30.6 ટકાને કોરોના વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા