જામનગરના ગાંધીનગર વિસ્તારના પાછળના ભાગમાં રેલ્વે લાઇનથી થોડે દૂર સીવેજટ્રીટમેન્ટ પ્લાન્ટની તથા 66 કેવી સબસ્ટેશનની નજીક જામનગર મહાનગરપાલિકાએ રાજય સરકારની સુચના મુજબ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટનો ક્ધસેપ્ટ સારો છે. કચરામાંથી વિજળી ઉત્પન્ન થશે. સ્વચ્છતા અને વીજ પુરવઠાની દ્રષ્ટિએ આ પ્લાન્ટ રાજય સરકારના માર્ગદર્શન મુજબ બનાવવામાં આવ્યા પછી, વર્ષો સુધી મહાનગરપાલિકા આ પ્લાન્ટ વિવિધ કારણોસર શરૂ કરી શકી ન હતી.
આ પ્લાન્ટ શરૂ કરવા માટે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે.આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પધારે એવી પણ સંભાવનાઓ છે અને તે માટે આયોજન થઇ રહ્યું છે. હાલમાં આ પ્લાન્ટમાં માત્ર સ્ટીમ એટલે કે, વરાળનું ઉત્પાદન થઇ રહ્યું છે અને વરાળનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયાથી પ્લાન્ટની આંતરિક મશીનરીને ઓર્ડરમાં લાવવા મહેનત થઇ રહી છે. પરંતુ ઉત્પન્ન થયેલી વરાળથી ટર્બાઇન ચલાવવાની પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી. તેથી ઉત્પન્ન વરાળનો નિકાલ અન્ય રીતે કરવો ફરજીયાત બન્યો છે. આ વરાળ નિકાલ પ્રક્રિયા રાક્ષસી અવાજ પેદા કરી રહી છે. આ તોતિંગ ઘોંઘાટના કારણે આસપાસના ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર, પુનીતનગર, શાંતિનગર, પટેલકોલોની તેમજ છેક રામેશ્વરનગર સુધી હજારો નાગરિકો દિવસ અને રાત પરેશાનીઓ વેઠી રહ્યા છે. કોર્પોરેશને એવું જાહેર કરેલું છે કે, રાત્રીના સમયે લોકોને ઉંઘમાં ખલેલ ન પડે તે માટે આ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે. રાત્રીના સમયે પણ આ પ્રક્રિયા અમુક પ્રમાણમાં કરવામાં આવી રહી હોય, મહિલાઓ, નાના બાળકો, વૃધ્ધો, દર્દીઓ, અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઇઓ-બહેનો સહિતના હજારો રહેવાસીઓ ભારે પરેશાન છે. મોટી માત્રાનો અવાજ એટલે કે, ઘોંઘાટ કાયદા પ્રમાણે પ્રદૂષણ છે. આ પ્રકારના ધ્વનિ પ્રદૂષણ વિરૂધ્ધ પગલાં લેવાની અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરાવવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે. નવાઇનીવાત એ છે કે, રામેશ્વરનગરમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીની અંદર પણ આ અવાજ સ્પષ્ટ રીતે સંભળાઇ રહ્યો હોવા છતાં, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના અધિકારીઓને હજુ સુધી ખબર નથી કે, આ અવાજ કયાંથી આવી રહ્યો છે?! આ પ્રકારનો ઘોંઘાટ અંકુશમાં લેવાની તથા બંધ કરાવવાની આ કચેરીની ફરજ હોવા છતાં આ કચેરી દિવસોથી કુંભકરણની નિંદ્રામાં સુતી છે.
પોતાની કચેરી સુધી પ્રદૂષણ પહોંચ્યા પછી પણ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પ્રદૂષણના સ્ત્રોત અંગે અજાણ હોય તે વાત માન્યામાં આવે તેવી નથી. આ બાબતનો સ્પષ્ટ અર્થ એ થાય કે, પ્રદૂષણ નિયંત્રણની કામગીરીમાં આ કચેરીને રસ નથી.અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ કચેરી વર્ષોથી માત્ર સમય પસાર કરે છે. કોઇ પણ પ્રકારના પ્રદૂષણને અંકુશમાં લેવાં, ઘટાડવા કે બંધ કરાવવાની ફરજો આ કચેરી બજાવતી નથી.
કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, આ રાક્ષસી અવાજ થોડા દિવસો પૂરતો છે. ત્યારે નાગરિકો એમ પણ વિચારે છે કે, આ અવાજ અંગે અગાઉથી કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કોન્ટ્રાકટર કંપની એબેલોને શા માટે કશું વિચાર્યું નથી ?! આ પ્રકારના ઘોંઘાટને લઘુતમ કરવા અંગે સતાવાળાઓએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઇએ. જો કે, જામનગરના તંત્રો એ પ્રકારના છે કે, સુખસુવિધા ઉપરાંત સમસ્યાઓના નિદાન માટે ભાગ્યે જ કશું થતું હોય છે. નગરજનોના ભાગ્ય પ્રમાણમાં ઘણાં નબળાં છે.