જામનગર જિલ્લામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતાં જેમાં જામનગર જિલ્લામાં કુલ 7362 બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો હતો તેમજ 8000થી વધુ બાળકોએ બાલ વાટીકાથી ધો.1થી પ્રવેશ મળવ્યો હતો. તેમજ બેક ટુ સ્કૂલ અંતર્ગત 966 જેટલા વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ કરાવાયો હતો.
દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના ભાગરૂપે રાજ્ય સરકારના શિક્ષણ લક્ષી અભિયાન અંતર્ગત દર વર્ષે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ તા.23 થી 25 જૂન દરમિયાન જામનગર સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસરીયાની અઘ્યક્ષતામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જામનગરમાં કુલ 7362 બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મળવ્યો હતો. તેમજ 8000થી વધુ બાળકોએ બાલવાટીકાથી ધો.1માં પ્રવેશ મેળવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાઇ છે. આ ઉપરાંત શાળા છોડનાર પુન: પ્રવેશ માટે પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે અને બેક ટુ સ્કૂલ અંતર્ગત આવા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં પ્રવેશ આપવા પ્રયાસ હાથ ધરાઇ છે. જામનગરમાં પણ આ અંગે સર્વે હાથ ધરાયો હતો. ડ્રોપઆઉટ અંગે હાથ ધરાયેલ સર્વેમાં 15985 જેટલા વિદ્યાર્થીઓ શાળા છોડયાનું સામે આવ્યું હતું. જેમાં 6000 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતાં ન હતા તો કેટલાક વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં જતાં રહ્યા હોવાનું કે વોકનેશનલ અભ્યાસ પસંદ કર્યાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા 966 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પુન: પ્રવેશ કરાવ્યો હતો.


