અંબર ચોકડી પાસે ફલાય ઓવરના કામ અંતર્ગત અહીંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલ, જામ્યુકોની પીવાના પાણીની પાઇપ લાઇન તેમજ વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ શિફટ કરવા માટે હોસ્પિટલ તરફથી આવતો અને જતો ટ્રાફિક અંબર ચોકડી પાસે બ્લોક કરવામાં આવ્યો છે. પરિણામે આ ટ્રાફિક ગુરૂદ્વાર ચોકડી તરફ ડાયવર્ટ થતાં આજ સવારથી જ ગુરૂદ્વાર ચોકડીએ ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે. એટલું જ નહીં ચોકડીની ચારે દિશામાં લગભગ પોણા કિલોમીટર સુધી વાહનોના થપ્પાં લાગ્યા છે જેને કારણે અહીં ટ્રાફિકની ભારે અરાજકતા સર્જાઇ છે. ભયંકર ટ્રાફિક જામને હેન્ડલ કરવામાં નિષ્ફળ ટીઆરબી જવાનો માથું ખંજવાળવા લાગ્યા છે. જયારે ટ્રાફિક પોલીસની હાજરી ખૂબજ અલ્પ છે. જેને કારણે વાહન ચાલકો સવારથી જ ટ્રાફિક અંધાધૂંધીનો ભોગ બન્યા છે.
ફલાયઓવરના કામ સંદર્ભે અંબર ચોકડીનો એક તરફનો ટ્રાફિક આજ સવારથી જ બંધ કરવામાં આવ્યો છે. જામ્યુકો દ્વારા અહીં પતરાની આડશ મૂકી દેવામાં આવી છે. જેને કારણે હોસ્પિટલ તરફથી આવતા વાહનો અંબર ચોકડીથી આગળ જઇ શકતા નથી જયારે નાગનાથ ગેઇટ અને ત્રણબતી તરફથી આવતા વાહનો હોસ્પિટલ તરફ જઇ શકતા નથી. જામ્યુકો દ્વારા આ માટે ગુરૂદ્વાર ચોકડી થઇને જવાની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. પરંતુ અહીંનો સિંગલ પટી માર્ગ ફોરલેનના ટ્રાફિકને હેન્ડલ કરવા માટે સક્ષમ નથી જેને કારણે જામનગરમાં દિલ્હી-નોયડા જેવો ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે. સવારે શહેરીજનો મોટી સંખ્યામાં પોતાના કામધંધા પર જતા હોય ટ્રાફિકનું ભારણ પણ વધારે રહે છે. ત્યારે જામ્યુકો દ્વારા કરવામાં આવેલી વૈકિલ્પક વ્યવસ્થા ખૂબજ અપર્યાપ્ત જણાઇ રહી છે.
ગુરૂદ્વાર જંકશન પર એટલો ટ્રાફિક જામ સર્જાયો છે કે, અહીં ટ્રાફિક વ્યવસ્થા માટે તેનાત કરવામાં આવેલા ટીઆરબી જવાનો પણ માથું ખંજળાવી રહયા છે. જયારે ટ્રાફિક પોલીસ તો માત્ર નામની જ હોય તેવું જણાઇ રહયું છે. વાસ્તવમાં અહીંનો ટ્રાફિક રામભરોસે મૂકાઇ ગયો છે. આજે સવારથી જ ગુરૂદ્વરા જંકશન પર જે રીતની ટ્રાફિક અરાજકતા સર્જાઇ છે તે જોતાં જામ્યુકોએ ગોઠવેલી વૈકલ્પિક વ્યવસ્થા અંગે ફેરવિચારણા જરૂરી બની છે. એટલું જ નહીં આ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બન્ને તંત્રોએ (જામ્યુકો અને ટ્રાફિક પોલીસ) નવેસરથી આયોજન કરવું જરૂરી છે. અન્યથા આગામી 20 દિવસ સુધી શહેરીજનો માટે આ જંકશન માથાના દુ:ખાવારૂપ બની જશે. માત્ર જાહેરનામું પ્રસિધ્ધ કરી કાગળ ઉપર વૈકિલ્પક માર્ગ આપી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જતો નથી. આ માટે જામ્યુકોના અધિકારીઓએ સ્થળ ઉપર જઇને ટ્રાફિકનું વોલ્યુમ અને સ્થિતિંનો અભ્યાસ કરવો જરૂરી છે અને તેને અનુસરીને અન્ય વ્યવસ્થા કરવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. અન્યથા આગામી દિવસોમાં અહીં આનાથી પણ વધુ ગંભીર અરાજકતા સર્જાઇ શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઇન્દિરા માર્ગ ઉપરની તમામ ચોકડીઓ પર ટ્રાફિક જામ ન સર્જાય તેમજ વાહન વ્યવહાર સરળ રહે તે માટે તંત્ર દ્વારા અગાઉ અનેક જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જે પૈકીનું જાહેરનામું છે. તમામ જંકશનોની ચારે તરફ 50 મીટર સુધી કોઇપણ વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં દરેક જંકશનની ગોલાઇ પર આડેધડ વાહનો પાર્ક કરેલા જોવા મળી રહયા છે. જે ટ્રાફિકને અવરોધી રહયા છે. ટ્રાફિક પોલીસને પણ આજ સુધી આ જાહેર નામાના અમલ કરવાની ફુરસદ મળી નથી. ત્યારે સૌ પ્રથમ તો આજ જાહેર નામાનો અમલ થાય અને જંકશન પર તમામ પાર્કિંગ કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત અંબર ચોકડી પર કેનાલ અને કેબલના કામ માટે સંપૂર્ણ રસ્તો બ્લોક કરવાને બદલે અડધો-અડધો રસ્તો બ્લોક કરીને તે મુજબ કામ કરવામાં આવે તે પ્રકારનું પ્લાનિંગ કરવું જોઇએ. જામ્યુકોના અધિકારીઓને અને સતાધિશોએ કોઇપણ પ્રકારના આગોતરા આયોજન વગર માર્ગ બંધ કરી દેતા તેનો ભોગ શહેરીજનોને બનવું પડી રહયું છે. એટલું જ નહીં ફલાયઓવરના કામમાં આવતા જે કેટલાક ક્રિટિકલ પોઇન્ટ છે. તે જગ્યાને પ્રાયોરિટી આપીને અહીં યુધ્ધના ધોરણે કામ કરવામાં આવે તેવું પ્લાનિંગ પર જામ્યુકોના તંત્રએ કરવું જોઇએ. અન્ય જગ્યાએ કામ અટકાવીને તમામ મશીનરી અને મેન પાવરને ક્રિટિકલ જગ્યાએ કામે લગાડવામાં આવે તો અહીં કામ ઝડપથી પૂર્ણ થઇ શકે. અને લોકોને ઓછામાં ઓછો સમય હાલાકીનો સામનો કરવો પડે.