કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના પાવન અવસરે મંગળવારે યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીને પાંચ હજાર કિલો વિવિધ રંગબેરંગી અને સુગંધિત ફૂલોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય શણગાર માટે દેશ-વિદેશથી ખાસ મંગાવવામાં આવેલા ગુલાબ, ગલગોટા, ઓર્કિડ, મોગરો અને જરબેરા જેવા વિવિધ પ્રકારના તાજા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિજ મંદિર સહિત સમગ્ર મંદિર પરિસર, સ્તંભો અને પ્રવેશદ્વારને કલાત્મક રીતે ફૂલોથી સજાવવામાં આવતા મંદિર પરિસરમાં દિવ્ય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
દેવ દિવાળીના વિશેષ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભગવાનના આ મનોહર ફૂલ શણગારના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
મંદિર વહીવટી તંત્ર અને પૂજારી પરિવાર દ્વારા ભક્તોની સુવિધા અને સુચારુ દર્શન વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.


