દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં રહેતા યુવાન સાથે બે સપ્તાહ પૂર્વે કતરાઇને જોવાની નજીવી બાબતે ત્રણ શખ્સો દ્વારા પાઇપ વડે જીવલેણ હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા ભાણવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને દબોચવા કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ ભાણવડના રામેશ્ર્વર પ્લોટ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા સમીરભાઈ ઉર્ફે બાડો દિલાવરભાઈ સમા (ઉ.વ.24) નામના યુવાન સાથે સામે કતરાઈને જોવા બાબતે બોલાચાલી કરીને ગત તારીખ 11 નવેમ્બરના રોજ રાણપરડા ગામના ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ પ્રકરણમાં ફરિયાદી સમીરભાઈ સમાને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલના ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં વચ્ચે આવેલા ફરિયાદી સમીરભાઈના કાકાને પણ ઈજાઓ થયાનું જાહેર થયું હતું. આ સમગ્ર મામલે ભાણવડ પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ખંભાળિયા સર્કલના ડીવાયએસપી પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા સમીરભાઈ દિલાવરભાઈ સમા કે જે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમનું ગઈકાલે સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આથી આ બનાવ હત્યામાં પલટાયો છે.


