જામનગર શહેરમાં સાધના કોલોની રોડ પરથી પોલીસે પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલ મળી આવતા કબ્જે કરી હતી. જામનગર-સમાણા માર્ગ પરથી પોલીસે એક શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.4,500 ની કિંમતની દારૂની નવ બોટલ મળી આવતા વધુ પૂછપરછ હાથ ધરી હતી. લાલપુર તાલુકાના સણોસરી ગામમાંથી સ્થાનિક પોલીસે બે શખ્સોને 9 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા સહિત રૂા.63,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં સાધના કોલોની રોડ પર આવેલી નંદનવન સોસાયટી શેરી નં.3 માં રહેતાં જયેશ ઉર્ફે જયુ સીંધી કિશોર ચાંદ્રા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.10 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 25 બોટલ મળી આવતા પોલીસે જયની પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં જીતુ ઉર્ફે બાબલો ભાનુશાળી અને ભાવેશ ઉર્ફે ટાકીડો ભાનુભાળી નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર સમાણા ધોરીમાર્ગપરથી પસાર થતા હિરેન ઉર્ફે હિરો અનિલ ચોવટીયા નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.4500 ની કિંમતની દારૂની નવ બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો વિજય ભુવા નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયતના આધારે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસેથી જીજે-10-ડીએસ-9931 નંબરના બાઈક પર પસાર થતા દિપક જેઠા ધવલ અને હરેશ દાના ધવલ નામના બે શખ્સોની લાલપુર પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4800 ની કિંમતના દારૂના નવ નંગ ચપટા મળી આવતા પોલીસે રૂા.50 હજારની કિંમતનું બાઈક અને રૂા.12000 ની કિંમતના બે મોબાઇલ તથા દારૂના ચપટા સહિતનો રૂા.63,800 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.