જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલ સરદાર પાર્કમાં રહેતાં દાનાભાઈ નથુભાઈ પરમાર (ઉ.વ.65) નામના વૃદ્ધ તા.3 ના સાંજના સમયે પોતાના જીજે-10-ઈએફ-1317 નંબરનું મોટરસાઈકલ લઇને પોતાના ઘરેથી વીજરખી ગામ તરફ જઈ રહ્યાં હતાં આ દરમિયાન થાવરીયા ગામ પાસે આઈઓસી કંપનીના ગેઈટ પાસે પહોંચતા સામેથી આવી રહેલ અજાણ્યા ફોરવ્હીલર ચાલકે તેઓને ઠોકરે ચડાવ્યા હતાં. અકસ્માતમાં દાનાભાઈ મોટરસાઈકલ ઉપરથી પટકાતા માથા તથા હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક નાશી ગયો હતો. આ અંગે અજયભાઈ દાનાભાઈ પરમાર દ્વારા અજાણ્યા મોટરકારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પંચ એ પીએસઆઈ એ.આર. પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.
બીજો બનાવ, જામનગરના આલાપ સોસાયટીમાં રહેતાં શકિતરાજસિંહ ગુળવંતસિંહ ઝાલા (ઉ.વ.22) નામના યુવાન ગત તા.2 ના રાત્રિના સમયે લાલપુર ચોકડીથી પોતાના ઘરે ચાલીને આવતા હતાં ત્યારે અવધ હોન્ડાના શોરૂમની પાસે પહોંચતા અજાણ્યા કારચાલકે તેઓને ઠોકર મારી નાશી ગયો હતો. આ અકસ્માતમાં શકિતરાજસિંહને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ અંગે કાળા કલરની અજાણી ફોરવ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સિટી એ ના એએસઆઈ એચ.આર.રબારી દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના ચાપરા ગામમાં રહેતાં દિનેશભાઈ આલાભાઈ બાબરિયા, સુરેશભાઈ બાબરિયા સાથે તા.3 ના જીજે-03-એફડી-2096 નંબરની ઈકો ગાડી લઈને મોટા વડાળા ગામના પાટીયા પાસે જમવા ગયા હતાં આ દરમિયાન દિનેશભાઈ રોડ ક્રોસ કરતા હોય ત્યારે કાલાવડ તરફથી આવતી જીજે-03-એનએફ-2186 નંબરની મોટરકારના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરિયાદીને હડફેટે લીધા હતાં. અકસ્માતમાં દિનેશભાઈને બંને પગમાં ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. આ અંગે દિનેશભાઈ દ્વારા જીજે-03-એનએફ-2168 નંબરના મોટરકાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથો બનાવ, લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા હાજાભાઈ કેશુરભાઈ બંધિયા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.18 ઓગસ્ટના જીજે-37-વી-6787 નંબરના બોલેરો પીકઅપ વાનના ચાલકે પોતાની બોલેરો પૂરપાટ ચલાવી જીજે-10-બીસી-2274 નંબરનું મોટરસાઈલ લઇને જતાં ફરિયાદી હાજાભાઇ તથા તેના પત્ની ભાવનાબેનને હડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં ફરિયાદી અને તેમના પત્નીને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતનો ગુનો નોંધી લાલપુર હેકો દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.
પાંચમો બનાવ, જામનગરના જી જી હોસ્પિટલ પાસે તેજપ્રકાશ સોસાયટીમાં જૈનનગર એપાર્ટમેન્ટમાં રહેતાં અરવિંદભાઈ સુરાણીને ગત્ તા.1 સપ્ટેમ્બરના ડીકેવી સર્કલ પાસે જીજે-10-ડીએમ-4297 નંબરના એકટીવાચાલકે ઠોકરે ચડાવી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં અરવિંદભાઈને ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. આ અંગે જીતેન્દ્રભાઈ સુરાણી દ્વારા જીજે-10-ડીએમ-4297 નંબરના એકટીવાચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સિટી બી ના હેકો જે.કે. વજગોર દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.


