જામનગર શહેરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ નેશનલ ફાયર એકેડમી ખાતે આજે ઉત્સાહ અને ગૌરવભેર ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર શહેરના ફાયર કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
વર્ષ 1944માં મુંબઇના વિકટોરિયા ડોક યાર્ડમાં સર્જાયેલી આગની દૂર્ઘટનામાં 66 ફાયરના જવાનો શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં શહીદ થયેલા ફાયરના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નેશનલ ફાયર વિકની ઉજવણી કરવામાં આવે છે. આ ફાયર વિક દર વર્ષે તા. 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે.
નેશનલ ફાયર ડેની ઉજવણી અંતર્ગત સવારે તાલીમાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ દરમિયાન તમામ તાલીમાર્થીઓએ તેમની તાલીમ અને અનુશાસનનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે દેશભક્તિની ભાવના સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ફાયર સર્વિસના મહત્વ અને આપત્તિ સમયે તેમની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિદ્યાર્થીઓને નેશનલ ફાયર ડે શા માટે ઉજવવામાં આવે છે તે અંગેની જાણકારી આપી ફાયર સેફ્ટી અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેથી તેઓ ભવિષ્યમાં વધુ સક્ષમ બની શકે.
View this post on Instagram
આવી ઉજવણીઓ દ્વારા સમાજમાં ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે તમામ હાજર લોકોએ ફાયર વિભાગના સેવાભાવને બિરદાવ્યો અને આવી કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ નેશનલ ફાયર એકેડમી-જામનગરના ડાયરેકટર નેમિષ મહેતા, ટ્રસ્ટી કે. ડી. વાડિયા, પ્રિન્સિપાલ રમેશભાઇ મીઠાણી તથા ઇન્સ્ટ્રક્ટર વિજયસિંહ વાળા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.


