બનાવની પ્રાપ્ત વિગત મુજબ લાલ સમુદ્ર (RED SEA) માં યમનના હોડેઇડાહ નજીક એક ભારતીય ધ્વજ ધરાવતા માલવાહક જહાજ સાથે વિસ્ફોટક ભરેલ નામ વિનાની બોટ અથડાવી અને હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ આ ઘટના 04 ઓગસ્ટ 2026 ના રોજ બપોરના સમયે બની હતી. “ફેઝ નૂરે ઓલિયા” નામના માલ વાહક વહાણમાં જેમાં જનરલ કાર્ગો તેમજ 18 જેટલી એમ્બ્યુલન્સો ભરેલ હતી. જેને યમનના હોડેઇડાહ (Hodeidah) નજીક રેડ સી માં વિસ્ફોટક ભરેલ નામ વિનાની બોટ અથડાવી અને હુમલો થયાનું બહાર આવ્યું છે. જે હુથી સંગઠન દ્વારા કરાયો હોવાનું યમન સરકાર દ્વારા જાહેર કરાયું છે. આ હુમલાના કારણે જહાજ પર ભીષણ આગ લાગી હતી, જેના પરિણામે જહાજ યમનના દરિયાઈ વિસ્તારની નજીક ડૂબી ગયું હતું. સદનસીબે જહાજ પર સવાર તમામ 14 ક્રૂ મેમ્બર્સને યમન કોસ્ટ ગાર્ડ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા ક્રૂ મેમ્બર્સમાં 13 ભારતીય દ્વારકા જિલ્લાના સલાયા ગામના હતા અને 1 યમનના નાગરિક છે. તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે મોખા પોર્ટ પર લાવવામાં આવ્યા છે.આ તમામને કોઈ પણ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. આ બાબતે મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશનની વિંગ ‘DGCOMM’ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.સત્તાવાળાઓ જહાજની મેનેજમેન્ટ કંપની સાથે નિયમિત સંપર્કમાં છે. વહાણ માલિક સલાયાના મુનાફ હાજી અબ્દુલ્લાહ ભાયા હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાથી સલાયાના વહાણવટી ભાઇઓ માં ભારે ચિંતાનો માહોલ છે. અને ભારત સરકાર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગણી ઉઠી રહી છે. બચાવેલ તમામ ભારતીય ખલાસીઓને વતન પરત લાવવા પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે. હમણાં થોડા સમયમાં આવી ઘટનાઓ વધુ બનતા સલાયા વહાણવટા ઉદ્યોગ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે.
યમન ગણરાજ્યનું વિદેશ અને પ્રવાસી બાબતોનું મંત્રાલય લાલ સમુદ્ર (રેડ સી) માં સફર કરી રહેલા ભારતીય વ્યાપારી માલવાહક જહાજ ‘એમએસવી ફેઝ નૂરે ઓલિયા’ પર હુથી આતંકવાદી જૂથ દ્વારા વિસ્ફોટકોથી ભરેલી બોટ વડે કરવામાં આવેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરે છે, જેના પરિણામે આ જહાજ સંપૂર્ણપણે ડૂબી ગયું છે. આ આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાના નિયમોનું ઘોર ઉલ્લંઘન છે, અને તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર નેવિગેશન (વહાણવટું) ની સુરક્ષા તેમજ મુક્ત વ્યાપાર માટે સીધો ખતરો પેદા કરે છે. મંત્રાલય મિત્ર દેશ ભારત પ્રજાસત્તાક સાથે યમન ગણરાજ્યની એકતા અને સંબંધિત ભારતીય સત્તાવાળાઓ સાથે તેના સતત સંકલનને પુન:પુષ્ટ કરે છે, તેમજ જહાજના ક્રૂ મેમ્બર્સ (ખલાસીઓ) ને તમામ જરૂરી સહાય અને સુવિધા પૂરી પાડે છે. મંત્રાલય રેડ સી સેક્ટરમાં યેમેની કોસ્ટ ગાર્ડ દ્વારા યેમેની નેવીની ભાગીદારી સાથે ચલાવવામાં આવેલા ઝડપી બચાવ અભિયાનની પ્રશંસા કરે છે, જેણે 13 ભારતીય નાગરિકો સહિત તમામ 14 ક્રૂ મેમ્બરોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે મોચા બંદરે પહોંચાડ્યા હતા.વિદેશ મંત્રાલય એ વાત પર ભાર મૂકે છે કે આ હુમલો હુથી આતંકવાદી મિલિશિયા દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અને હુમલાઓની સતત ચાલી આવતી પેટર્નનો એક ભાગ છે. આ હુમલાઓમાં શહેરોને નિશાન બનાવવા, એરપોર્ટ અને તેલ સુવિધાઓ પર બોમ્બમારો કરવા, નિકાસમાં અવરોધ ઊભો કરવો અને યમનના લોકોને આવકના મહત્વપૂર્ણ સ્ત્રોતોથી વંચિત રાખવાનો સમાવેશ થાય છે, જેનાથી હુથી બળવાના કારણે સર્જાયેલી માનવતાવાદી આપત્તિ વધુ વણસી રહી છે. આ ઉપરાંત રેડ સી, બાબ અલ-મંદબ સ્ટ્રેટ અને એડનની ખાડીમાં બંદરો અને દરિયાઈ નેવિગેશનને ધમકી આપવામાં આવી રહી છે, તેમજ પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને નુકસાન પહોંચાડે તે રીતે આર્થિક અને વ્યાપારી હિતોને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે.મંત્રાલય વધુમાં પુનરોચ્ચાર કરે છે કે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં બહુરાષ્ટ્રીય રક્ષણાત્મક દરિયાઈ ગઠબંધનની સ્થાપના એક વ્યૂહાત્મક પહેલ છે, જેનું મહત્વ વધતા જતા દરિયાઈ જોખમો વચ્ચે સતત વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈઓ અનુસાર રેડ સી, બાબ અલ-મંદબ સ્ટ્રેટ અને એડનની ખાડીમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારી માર્ગો અને વૈશ્ર્વિક ઉર્જા પુરવઠાની લાઈનોને સુરક્ષિત કરવા તેમજ નેવિગેશનની સ્વતંત્રતા જાળવવા માટે આ ગઠબંધન આવશ્યક છે.મંત્રાલય ભારપૂર્વક જણાવે છે કે આ ધમકીઓનો કાયમી અંત લાવવા માટે યમનની સરકારને સતત સમર્થન આપવું જરૂરી છે, જેથી તે પોતાની સાર્વભૌમત્વનો ઉપયોગ કરી શકે, દરિયાકાંઠા અને પ્રાદેશિક જળસીમાને સુરક્ષિત કરી શકે અને યેમેની કોસ્ટ ગાર્ડની ક્ષમતાઓને મજબૂત બનાવી શકે.


