દ્વારકા જગતમંદિરની વાર્ષિક આવકમાં છેલ્લા પાંચ વર્ષથી સતત વધારો જોવા મળે છે. વર્ષ 2025-’26ની જગતમંદિરની વાર્ષિક આવક રૂા. 22,04,83,290 થવા પામી હતી.
દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરે દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. દેશ-વિદેશથી ભાવિકો કાળિયા ઠાકોરને શિશ ઝૂકાવવા આવે છે. જગતમંદિરની આવકમાં પણ સતત પાંચ વર્ષથી વૃદ્ધિ થતી જોવા મળી છે. જગતમંદિર વહીવટદાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દ્વારકાધીશ મંદિરની કુલ આવક વર્ષ 2021-’22માં રૂા. 13,76,29,414 નોંધાઇ હતી. જે વધીને વર્ષ 2022-’23માં રૂા. 19,79,17,316 નોંધાઇ હતી. ત્યારબાદ વર્ષ 2023-’24માં આ આવક વધીને રૂા. 23,78,24,800 થવા પામી હતી. જે સતત વધતાં વર્ષ 2024-’25માં રૂા. 21,92,18,038 સુધી પહોંચી હતી. તો વર્ષ 2025-’26માં આ આંકડો રૂા. 22,04,83,290 નોંધાઇ છે. જેમાંથી બે ટકા ચેરિટી કન્સ્ટ્રીબ્યુશન તથા 15 ટકા ટ્રસ્ટ ઇન્કમ તરીકે કપાય છે.


