ચમોલીના તપોવનમાં થયેલી દુર્ઘટનાનો આજે પાંચમો દિવસ છે. NTPCની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને બચાવવાની કોશિશ ચાલુ છે. જોકે ઓપરેશનની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટનલમાં 72 મીટર ડ્રિલિંગ કરવામાં આવી રહી છે. 13 મીટર નીચે સુધી હોલ કરવામાં આવશે. તે પછી કેમેરો અંદર નાંખીને નીચેથી પસાર થઈ રહેલી બીજી ટનલમાં વર્કર્સ સુરક્ષિત છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવશે.
મોડી રાતે બે વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં સાડા છ મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. પહેલા 75 મિલીમીટર પહોળાઈનો હોલ કરવામાં આવી રહ્યો હતો. જોકે લગભગ એક મીટર પછી તેમાં મુશ્કેલી સર્જાઈ હતી. હવે લગભગ 50 મિલીમીટર પહોંળાઈનો હોલ કરવામાં આવી રહ્યો છે.
આ ટનલની લંબાઈ લગભગ અઢી કિલોમીટર છે. તેનો મોટાભાગનો હિસ્સો કાટમાળથી ભરાયેલા છે. આર્મી, ITBP, NDRF અને SDRFની ટીમો બુધવાર સુધી ટનલમાં સીધા પહોંચવાની કોશિશ કરી રહી હતી. 120 મીટર અંદર સુધી કાટમાળ સાફ કરવામાં આવ્યો. જોકે તેમાં મુશ્કેલી દેખાઈ તો ડ્રિલિંગ પર વિચાર કરવામાં આવ્યો. રેસ્ક્યુ ટીમે બુધવારે સુરંગમાં અંદરની સ્થિતિ જાણવ માટે ડ્રોન અને રિમોટ સેંસિંગ ઉપકરણોની મદદ પણ લીધી હતી. જોકે તેમાં પણ વધુ સફળતા મળી ન હતી.
ઉત્તરાખંડ દુર્ઘટના પછી રેસ્કયુના ત્રીજા દિવસે મંગળવારે 6 બીજા શબ મળ્યા હતા. અત્યાર સુધીમાં 32 લોકોના શબ મળી ચુક્યા છે. સરકારના જણાવ્યા મુજબ, દુર્ઘટના પછી 206 લોકો ગુમ થઈ ગયા છે. તેમાંથી 174 લોકોની હાલ કોઈ ભાળ મળી નથી. ચમોલીમાં 7 ફેબ્રુઆરીએ આવેલી દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે જળસ્તર વધ્યા પછી નદીઓએ રસ્તામાં આવનારી દરેક ચીજોનો નાશ કર્યો. આ વીડિયોમાં કેટલાક વર્કર્સ અહીં બનેલા બંધ પર પાણી અને કાટમાળથી બચવાની કોશિશ કરી રહ્યાં હતા, જોકે તેઓ બચી શકયા ન હતા. ગૃહ મંત્રી અમિત શાહએ બુધવારે રાજ્યસભામાં ઉત્તરાખંડ દુર્ઘટના વિશે જણાવ્યું કે રવિવારે સમુદ્ર તળથી લગભગ 5600 મીટરની ઉંચાઈ પર 14 વર્ગ કિલોમીટર ક્ષેત્રનો ગ્લેશિયર પડ્યો હતો. આ પહેલા ધૌલીગંગા અને ઋષિગંગામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું. સાથે જ ઉત્તરાખંડ સરકારના જણાવ્યા મુજબ નીચાણવાળ વિસ્તારમાં હવે પુરનો ખતરો નથી. પાણીનું લેવલ પણ ઘટી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં વીજળીનો સપ્લાઈ શરૂ થઈ ગયો છે. સાથે જ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન 5 ડેમેજ પુલોને રિપેર કરી રહ્યું છે.