જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કુપોષણમુક્ત સમાજના સંકલ્પને સાકાર કરવા માટે હાથ ધરાયેલ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. જાન્યુઆરી 2023 થી જૂન 2026 સુધીના સમયગાળામાં કુલ 656 અતિ કુપોષિત બાળકોને દત્તક લઈ તેમની વિશેષ સારસંભાળ રાખવામાં આવી હતી, જેમાંથી 598 બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ ના શુશાષનકાળ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુપોષણ મુક્ત અભિયાનથી પ્રેરાઈ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના જન્મદિન નિમિત્તે પોતાની વિધાનસભા વિસ્તારના અતિ કુપોષિત બાળકોને દત્તક લેવાની અનોખી પહેલ શરૂ કરી હતી. આ અભિયાન અંતર્ગત હાલમાં 155 બાળકોની વ્યક્તિગત દેખરેખ રાખવામાં આવી રહી છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી દર મહિને બાળકોને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઋતુમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખી તબીબોની સલાહ મુજબ કીટમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા, અને બાળકોના આરોગ્યને અનુકૂળ પોષણયુક્ત ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા દર મહિને વ્યક્તિગત રીતે બાળકોના ઘરે જઈ કીટનું વિતરણ કરવામાં આવે છે. સાથે જ બાળકોના વાલીઓ સાથે ચર્ચા કરી તેમના આરોગ્ય, વજન અને પોષણની સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સતત દેખરેખ અને અનુસરણના પરિણામે કુપોષણ સામેની લડતમાં નોંધપાત્ર સફળતા મળી રહી હોવાનું જણાવાયું હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શુશાસન કાળ દરમિયાનના આ વિશેષ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ બાળકોને સુપોષિત બનાવવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે અને કુપોષણમુક્ત જામનગરના સંકલ્પને સાકાર કરવા માટે કાર્ય કરવામાં આવશે.


