જામનગરમાં રીક્ષાની શોધમાં રહેલ ફરિયાદીની રોકડની ચોરીના કેસમાં સિટી એ પોલીસે બે શખ્સોને રોકડ રકમ તથા સીએનજી રીક્ષા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ફરિયાદી સીએનજી રીક્ષાની શોધમાં હતાં આ દરમિયાન રીક્ષામાં બેસી જતી વખતે રૂા.30 હજારની રોકડ રકમની ચોરી થયાની સીટી એ માં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં સીટી એ ના પીઆઈ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી એ પોલીસ સ્ટાફ દ્વારા બનાવસ્થળના સીસીટીવી કેમેરા ચેક કરતા રીક્ષા નંબર જીજે-06-એડબલ્યુ-2141 ની રીક્ષા જણાતા આ રીક્ષા હાલ એસટી ડેપો બહાર રીક્ષા સ્ટેન્ડના પાર્કિંગમાં હોવાની સીટી એના પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા પો.કો. રાજેન્દ્રસિંહ ડોડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા અને પીએસઆઈ બી એસ વાળાના માર્ગદર્શન હેઠળ સીટી એ સ્ટાફે ઘનશ્યામ ઉર્ફે ઘનો રમણિક મકવાણા તથા સંજય ઉર્ફે સંજલો ગોવિંદ વાઘેલા નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.30 હજારની રોકડ રકમ તથા ગુનામાં ઉપયોગ કરેલ રૂા.60 હજારની કિંમતની જીજે-06-એડબલ્યુ-2141 નંબરની સીએનજી રીક્ષા કબ્જે કરી હતી.