જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા ગામના પાટિયા પાસે મોટરકાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતાં દંપતિને નાની-મોટી ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે કારચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ મોરબી રોડ પર બેડી ગામ આંબેડકર રોડની બાજુમાં રહેતાં નીતાબેન મુકેશભાઇ મકવાણા અને તેમના પતિ મુકેશભાઇ કરશનભાઇ મકવાણા તા. 5 મેના રોજ સાંજના સમયે જીજે03-એનએલ-7808 નંબરનું એક્ટિવા લઇ પીઠડિયા ગામથી કાલાવડ સમૂહલગ્નમાં આવતા હોય ત્યારે સાંજના સમયે રણુજા ચોકડીથી થોડે આગળ રણુજા રોડ પર પહોંચતા સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા સફેદ કલરની ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની મોટરકાર રોંગ સાઇડમાં ફુલ સ્પીડે, ગફલતભરી રીતે, બેફીકરાઇપૂર્વક ચલાવી ફરિયાદીની એક્ટિવાને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ફરિયાદી તથા તેમના પતિને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. કારચાલક અકસ્માત સર્જી નાશી ગયો હતો. અકસ્માતમાં દંપતિને ઇજાઓ પહોંચતા સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે નીતાબેન દ્વારા અજાણ્યા સફેદ કલરની ફોર વ્હીલ ગાડીના ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા કાલાવડ (ટાઉન) પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.