જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરે રવિવારે સવારે સાધુ-સંતો, અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું હતું. ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. કોરોનાના લીધે લોકોને સોનાપુર નજીકથી જ ભવનાથ તરફ જવા પ્રવેશ બંધી કરાઇ છે તેમજ જે સેવકો, સ્વયંસેવકો પાસે પાસ છે તેઓને પણ ટેમ્પેરેચર ગનથી ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
મહાદેવ નોમ નિમિત્તે ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંતો – મહંતો, કલેક્ટર, એસ.પી., મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો મહાશિવરાત્રી મેળો શરૂ થયો હતો.
ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ શ્રી પંચદશનાથ જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા, વિવિધ આશ્રમો અને જગ્યાઓ ખાતે ધ્વજારોહણ થયું હતું.
આ વખતે કોરોનાના લીધે માત્ર સાધુ-સંતો માટે જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આજે મેળો શરૂ થતા સોનાપુર ખાતે ઊભી કરાયેલી ચેકપોસ્ટ ખાતેથી જ પોલીસ દ્વારા લોકોને ભવનાથ તરફ જવા પર પાબંધી ફરમાવી દેવામાં આવી છે જ્યારે અન્નક્ષેત્રોમં સ્વયંસેવકો અને સાધુ-સંતોના સેવકો પાસ સાથે આવે છે . તેઓને પણ સોનાપુર ત્રણ રસ્તા ખાતે ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કરી પછી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
મનપા તંત્ર દ્વારા સોનાપુર ત્રણ રસ્તા ખાતે રાવટી ઊભી કરી ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને ટેમ્પરેચર વધુ જણાશે તેનો એન્ટિજન કિટથી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે તેમાં પોઝિટિવ રિપોર્ટ આવશે તો તેવા લોકોને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે. આ વખતે પરિક્રમા બાદ મહાશિવરાત્રી મેળો પણ લોકો માટે રદ્દ હોવાથી જૂનાગઢના ભવનાથમાં નિરસ માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ પોલીસ દ્વારા સોનાપુર ત્રણ રસ્તા ખાતે ચેકપોસ્ટ શરૂ કરાઇ છે. ત્યાંથી જ લોકોને પ્રવેશ અપાતો નથી. જેની દામોદર કૂંડ ખાતે અસ્થિવિસર્જન કરવા કે અન્ય વિધિ કરવા જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આથી પોલીસની ચેક પોસ્ટ દામોદર કૂંડ પછી રાખવામાં આવે એવી લોકોમાંથી માંગ ઉઠી છે.