View this post on Instagram

હાલમાં જ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉપર આડેધડ ગોળીબાર કરી આતંકીઓએ 26 જેટલા પ્રવાસીઓની હત્યા નિપજાવી હતી. દહેશત ફેલાવનાર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે. તેમજ વિશ્વભર માંથી ભારતમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી આતંકીઓનો સફાયો કરવા અમે તમારી સાથે છીએ તેવા અનેક દેશો ભારત સાથે આતંકવાદીઓનો સફાયો કરવા પડખે રહ્યા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવી દેવામાં આવી છે અને આતંકીઓનો ખાત્મો કરવા સેના મેદાને આવી ગઇ છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવામાં આવી છે. જેની સાથે સાથે હંમેશા સંવેદનશીલ રહેલા જામનગર અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ સુરક્ષાવ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. જામનગર નજીકના દરિયાકિનારે મરીન પોલીસ અને એલસીબી, એસઓજી, મરીન કમાન્ડો અને હોમગાર્ડ સહિતના જવાનો દ્વારા તમામ દરિયાઈ ચેકપોસ્ટ લેન્ડીંગ પોઈન્ટ, દરિયાકિનારાના ગામો, દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. સાવચેતીના પગલે માછીમારીની બોટ અને માછીમારોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ રેંજ આઈજી દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવી દેવામાં આવી છે. કેમ કે, સૌરાષ્ટ્રનો દરિયાકિનારો પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે જોડાયેલો હોવાથી અને આ દરિયાઈ માર્ગેથી નશીલા પદાર્થો અને હથિયારોની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરાયું હોવાનું અગાઉ પણ પોલીસ દફતરે નોંધાયેલું છે. જેના કારણે દરિયાકિનારાની સુરક્ષા વ્યવસ્થા માટે વધુ મજબુત બનાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી છે.