સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ-3.0 રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેનો આજે સવારે જેએમસી સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે પ્રારંભ થયો હતો.

સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત, જીલ્લા વહીવટી તંત્ર જામનગર તથા જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સીંગ રમતનું આયોજન તા.25 એપ્રિલ થી તા.5 મે દરમિયાન જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. આજે આ સ્પર્ધાનો પ્રારંભ તથા ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ડે.મેયર ક્રિષ્નાબેન તથા શહેર ભાજપ પ્રમુખ બિનાબેનએ આ ફેન્સીંગ સ્પર્ધામાં હાથ અજમાવ્યો હતો.
અંડર-14 વયજૂથના બહેનોની સ્પર્ધા તા.25-4-2025 થી તા.26-4-2025 દરમિયાન, અંડર-17 વયજૂથ બહેનોની સ્પર્ધા તા.27-4-2025 થી તા.28-4-2025 દરમિયાન, ઓપન એજ બહેનો માટેની સ્પર્ધા તા.29-4-2025 થી તા.30-4-2025, અંડર-14 ભાઈઓની સ્પર્ધા તા.30-4-2025 થી તા.1-5-2025, અંડર-17 ભાઈઓની સ્પર્ધા તા.2-5-2025 થી તા.3-5-2025 તથા તા.4-5-2025 થી તા.5-5-2025 દરમિયાન ઓપન એજ ભાઈઓ માટેની સ્પર્ધા યોજવામાં આવશે. તેમ જીલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.