જામનગર તાલુકાના ચંગા ચેલા નજીક આજે સવારે ખાનગી ટ્રાવેલ્સની બસ અને બોલેરો સામસામી ધડાકાભેર અથડાતા અકસ્માતમાં બોલેરોચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે આઠથી દશ જેટલા લોકોને ઈજા પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામ નજીકના રોડ પર આજે સવારે પૂરપાટ આવી રહેલી સોનલકૃપા ટ્રાવેલ્સની લકઝરી બસ અને સામેથી આવી રહેલા બોલેરો ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બસ પલ્ટી ખાઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં બન્ને વાહનોનો બુકડો બોલી ગયો હતો. જેમાં બોલેરોચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું અને અન્ય 10 જેટલા મુસાફરોને સામાન્ય અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાંથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે બોલેરોચાલકના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.