રાજ્યમાં રાજકોટ શહેરે જાહેર રસ્તાઓ પર ઇંડા અને નોનવેજનું વેચાણ કરતી લારીઓ ઉભી રાખી શકાશે નહીં તેમજ જાહેરમાં વેચાણ કરી શકાશે નહીં એવો નિર્ણય લીધો છે. રાજકોટ બાદ વડોદરા અને ભાવનગરમાં જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખી વેચાણ નહીં કરી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આ નિર્ણયને લઈને પક્ષ અને વિપક્ષ સામસામે આક્ષેપ બાજી કરી રહ્યા છે. વિપક્ષ કહી રહ્યું છે કે સરાકર બીજા બધા મુદ્દાઓને ભુલાવવા માટે આ મુદ્દાને વધારે પ્રાધાન્ય આપી રહી છે ત્યારે આ ઘટનાને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખે કરેલાં નિવેદનથી નવો જ વળાંક આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ નિર્ણયને પક્ષની સાથે કોઈ લેવાદેવા નથી તેવું કહી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે જે મહાનગરપાલિકાઓએ નોનવેજ અને ઇડાની લારી બાબતે નિર્ણય કર્યો છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડોદરા અને રાજકોટમાં સ્થાનિક તંત્રની સાથે વાત કરી છે. તેમણે શેરીઓ પરથી નોવવેજની લારીઓ ન હટાવવાનું કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ જે તે નેતાઓના અંગત અભિપ્રાય હતો. અમે તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાના નથી. આ નિર્ણયને પ્રદેશ ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી.
અહીં નોંધવું ઘટે કે, ગુજરાતનાં શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો સળગ્યો છે. એક પછી એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. તે એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. મહેસૂલ મંત્રીના નિવેદનના ઘેરા પડઘા પડયા છે. મહેસૂલ મંત્રીએ લારીગલ્લા પાથરણાવાળાને લેન્ડ ગ્રાબિંગ (ભૂ માફિયા) ગણાવીને તેમને ફૂટપાથ પરના તમામ લોકોને હટાવવાની કરેલી વાતનો લારીગલ્લા પાથરણા સંઘે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ અને વડોદરા મ્યુ કોર્પોરેશન દ્વારા નોનવેજનાં નામે ધંધા રોજગાર બંધ કરાવી રોજીરોટી છીનવી બેરોજગાર કરતા તેના માટે પણ વિરોધ નોંધાવામાં આવ્યો હતો. લારીગલ્લા પાથરણા સંઘે કહ્યું છે કે, રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા લારીગલ્લા પાથરણા માટે ભૂ-માફિયા જેવા શબ્દો માટે માફી માગશે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના 15થી 17 લાખ લારીગલ્લા પાથરણાવાળા એક થઈને વિરોધ પ્રદર્શન કરી શકે છે.
નોનવેજ લારીઓ અંગે ભાજપાને કોઇ લેવાદેવા નથી : પ્રદેશ ભાજપા અધયક્ષ
સમગ્ર રાજયમાંથી આ પ્રકારની લારીઓ હટાવવા ઇચ્છતા નથી : પાટિલ