ધ્રોલમાં આવેલ ભૂચરમોરીના મેદાનમાં શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ તથા યુવા સંઘ સ્મૃતિહોલના ઉદ્ઘાટન સમારોહનું આગામી તા. 03ના આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ હતી.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા 35મા ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ તથા યુવા સંઘ સ્મૃતિ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 03 સપ્ટેમ્બરના ભૂચરમોરી શહીદ સ્મારક-ધ્રોલ ખાતે સવારે 8.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે આઠ વાગ્યે ઘોડેસવારી સ્પર્ધા, વ્યક્તિગત તલવારબાજી સ્પર્ધા, સવારે 10 વાગ્યે જૂના સ્મારક અને નવા સ્મારક ખાતે મહેમાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ, સવારે 10.15 વાગ્યે યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન, સવારે 10.30 કલાકે ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે.
View this post on Instagram
રોયલ ફેમિલી ઓફ લાભુવા-યુપીના દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા યુવા સંઘ સ્મૃતિ હોલના નિર્માણ પેેટે રૂા. પાંચ લાખનું અનુદાન તથા ડો. ધુ્રુવકુમાર જયેન્દ્રસિંહ જાડેજા તરફથી રૂા. 1,11,000નું અનુદાન અપાયું છે. સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ધોરણ 10 અને ધોરણ 12માં રાજપૂત સમાજમાં મેરીટમાં પ્રથમ નંબર મેળવનારને “ભૂચરમોરી સિલ્વર મેડલ” ઇતિહાસ જ્ઞાન કસોટીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવનારને “ગોલ્ડમેડલ” અને રૂપિયા 25 હજાર ઇનામ, બીજો નંબર મેળવનારને “સિલ્વર મેડલ” અને રૂા. 21,000 હજાર ઇનામ અને ત્રીજો નંબર મેળવનારને “કાંસ્ય મેડલ” અને રૂા. 15,000 ઇનામ આપવામાં આવશે. ઘોડેસવારી અને તલવારબાજી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો અપાશે.
ભોજનના દાતા તરીકે પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશ્ર્વ સ્પર્ધાના દાતાઓ એસ. ડી. ઝાલા, કિરણસિંહ જાડેજા, ઇતિહાસ જ્ઞાન કસોટી ઇનામના દાતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, યુવા પાંખના વિવિધ હોદ્ેદારો દ્વારા સ્વયં એક લાખનું ફંડ દાન કર્યું છે. કાર્યક્રમ દરમ્યાન આખો દિવસ યુવરાજ જામ અજાજી પ્રદર્શન હોલમાં ડોક્યુમેન્ટરી નિદર્શન ચાલુ રહેશે. આ પત્રકાર પરિષદમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કાર્યકરી અધ્યક્ષ રૂદ્રદતસિંહ વાઘેલા, ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમના મુખ્ય કન્વિનર ગુમાનસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ હરદેવસિંહ ગોહિલ, શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી ભગવાનસિંહ જાડેજા, તાલુકા પ્રભારી દિલીપસિંહ જાડેજા, યુવા પાંખ શહેર પ્રમુખ મનદીપસિંહ જાડેજા, સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.


