જોડિયા ગામમાં રમઝાન મહિનામાં દરગાહના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની બાબતે થયેલી બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને આંતરીને છરીનો ઘા ઝિંકી ગંભીર ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ હુમલાના બનાવની વિગત મુજબ જોડિયા ગામના મોટાવાસ વિસ્તારમાં ગુલાબશા પીરની દરગાહની બાજુમાં રહેતા સોહિલ અબ્દુલભાઇ ગંઢ (ઉ.વ. 21) નામના યુવકને સાહિલ ઇદ્રિશ સાથે રમઝાન મહિનામાં દરગાહના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની બાબતે થયેલી બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખી સાહિલ અવારનવાર સોહિલ સાથે ઝઘડો કરવાનો મોકો શોધતો હતો. તે દરમ્યાન ગત્ તા. 28ના રાત્રિના સમયે સોહિલ તથા તેના મિત્રો બાઇક પર ઘરે જતા હતા ત્યારે સાહિલએ તેનું બાઇક આડું રાખી બોલાચાલી કરી ગાળો કાઢી હતી. ત્યારબાદ સાહિલ ઇદ્રિશ, ઇદ્રિશ, હમઝા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી સોહિલના ઘર પાસે આવી તેને પકડી લીધો હતો. ત્યારબબાદ સાહિલએ છરીનો ઉંડો ઘા ઝિંકી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘવાયેલા સોહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ પી. એન. ખાચર તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


