જામનગર શહેરમાં નવાગામ ઘેડ રોડ પર પાથરણુ રાખી વેપાર કરતા યુવાને પાણીની બોટલના પૈસા માગતા બે શખ્સોએ યુવાનને આંતરીને અપશબ્દો બોલી લોખંના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર જલારામ પાર્કમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેશ મેરુભાઇ મેરાણી નામનો યુવાન સોમવારે રાત્રિના સમયે નવાગામ ઘેડ રોડ પર તેના મામાના પાથરણા પર વેપાર કરતો હતો તે દરમિયાન કરણ અનિલ પરમાર અને ગટુ નામના બે શખ્સો એ આવીને પાણીની બોટલ લીધી હતી. જેથી રાજેશે પાણીની બોટલના પૈસા માગતા બંને શખ્સો ઉશ્કેરાઇને જતા રહ્યાં હતાં. ત્યારબાદ રાજેશે તેના બાઈક પર ઘરે જતો હતો ત્યારે કરણ અને ગટુએ એકટીવા પર આવી રાજેશને આંતરીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.