જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં ગટરનું પાણી ઘર પાસેથી નિકળ્યાનો ખાર રાખી દંપતીએ વૃદ્ધ દંપતી અને તેની પુત્રવધૂ ઉપર પથ્થરમારો અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કરતા અશોકભાઈ સોલંકી નામના યુવાનના ઘરની ગટરનું પાણી દેવરાજ સોલંકીના દરવાજા પાસેથી નિકળ્યાનો ખાર રાખી દેવરાજ ભીખા સોલંકી, અને તેની પત્ની સાનુબેન દેવરાજ સોલંકી નામના દંપતીએ ગત રવિવારે સાંજના સમયે અશોકભાઈના પિતા જીવાભાઈ જશાભાઈ સોલંકી નામના વૃદ્ધ અને તેની પત્ની સોનલબેન તથા પુત્રવધૂ લીલાબેનને અપશબ્દો બોલી છૂટા પથ્થરોના ઘા તથા લોખંડના પાઈપ વડે હુમલો કરતા સોનલબેન નામના પ્રૌઢાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ વૃદ્ધ જીવાભાઈને ધકો મારી પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી. વૃદ્ધ દંપતી અને તેની પુત્રવધૂ ઉપર કરાયેલા હુમલામાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ વાય.આર. જોશી તથા સ્ટાફે જીવાભાઈના નિવેદનના આધારે વૃદ્ધ દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.