યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધર્મ સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃત રીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની સામે તંત્રએ લાલ આંખ કરી અગાઉ ઓપરેશન ડિમોલિશન કર્યું હતું. આ પછી થોડા સમયના વિરામ બાદ આજે ગુરુવારે સવારથી જ સરકારી તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં દ્વારકામાં કેટલાક ધર્મ સ્થળો તેમજ અન્ય કાચા-પાકા બાંધકામ સહિતના દબાણોને દૂર કરવામાં માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે સવારથી દ્વારકા નગરપાલિકા હેઠળના રૂપેણ બંદર વિસ્તારમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ દ્વારા સુનિયોજિત રીતે જરૂરી પ્રક્રિયા સંપન્ન કરીને જેસીબી જેવા સાધનોની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી. જેમાં કેટલાક ધર્મસ્થળો વિગેરેના કાચા-પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા છે.
આ દબાણ દૂર કરી અને સરકારી માલિકીની કિંમતી એવી હજારો ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દેશના વિશાળ અને સંવેદનશીલ એવા દ્વારકા જિલ્લાના દરિયા કિનારામાં અગાઉ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલવા પામી હતી. જેથી દેશની સુરક્ષા માટે આ પગલું મહત્વનું હોવાનું પણ કહેવાય છે. આજથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં આ પ્રક્રિયા ત્રણ-ચાર દિવસ ચાલે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.


