કાલાવડમાં એક સાથે પાંચ મકાનોમાં થયેલી ચોરીનો ભેદ અકબંધ છે ત્યારે વધુ બે ઔદ્યોગિક એકમમાં ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં ભય ફેલાવી દીધો છે. કાલાવડમાં વધતા જતા એક પછી એક ચોરીના બનાવો પોલીસને પડકારરૂપ બની ગયા છે.
કાલવડમાં તસ્કરોની રંજાડ એ પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. હાલમાં જ એક સાથે પાંચ-પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની માલમતાની ચોરી કરી ગયાના બનાવથી રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસે પાંચ મકાનમાં થયેલી ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ તસ્કરોના પગેરા સુધી પહોંચે તે પહેલાં જ તસ્કરોએ વધુ બે સ્થળોએ ચોરીને અંજામ આપતા પોલીસ કરતા તસ્કરો બે ડગલા આગળ ચાલી રહ્યા છે. આ ચોરીના બનાવની વિગત મુજબ કાલાવડ- રણુજા ધોરીમાર્ગ પર આવેલી સાગર સિમેન્ટ પ્રોડકટ અને સનાતન એગ્રોમાં તસ્કરો ત્રાટકયા હતાં અને આ બંને સ્થળોએ ચોરી કરી હતી. જો કે, એક સાથે પાંચ મકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા હતાં તેમ છતાં પોલીસ હજુ તસ્કરો સુધી પહોંચી નથી. ત્યારે વધુ બે ઔદ્યોગિક એકમમાં થયેલી ચોરીના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.
કાલાવડમાં તસ્કરોના વધતા જતાં રંજાડને ડામવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ તસ્કરો પોલીસ કરતા બે ડગલા આગળ હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસ હજુ પહેલી ચોરીનો ભેદ ઉકેલે તે પહેલાં જ બીજી ચોરીની ઘટના પોલીસની ઉંઘ હરામ કરી દે છે.