મુંબઈ ઈન્ડિયન્સે (MI) 2027ની આઈપીએલ (IPL) સિઝનમાં ટીમના સુકાનીપદે રોહિત શર્માના નામની જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઇઝી પોતાની ઐતિહાસિક 20મી સિઝનને સેલિબ્રેટ કરવા જઈ રહી છે, ત્યારે તેના સૌથી લોકપ્રિય અને સફળ લીડર્સમાંના એક એવા રોહિત શર્મા બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીને એક રોમાંચક નવા અધ્યાય તરફ દોરી જશે.
મુંબઈ ઈન્ડિયન્સ સાથે રોહિતની સફર અત્યંત ખાસ અને યાદગાર રહી છે. રોહિત 2011માં આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા ત્યારથી તેઓ ટીમની કેટલીક સૌથી શ્રેષ્ઠ ક્ષણોના કેન્દ્રમાં રહ્યા છે. તેમણે MIને 5 IPL ટાઇટલ અપાવ્યા છે અને ટીમમાં વિનિંગ કલ્ચરને ઘડવામાં મદદ કરી છે. તેમનું નેતૃત્વ, યુવા પ્રતિભામાં તેમનો અટલ વિશ્વાસ અને ટીમ સાથેનો ઊંડો નાતો તેમને મુંબઈ ઈન્ડિયન્સની ગાથાનો એક અભિન્ન હિસ્સો બનાવે છે.
નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, અમે 2011માં રોહિત માટે બોલી લગાવી હતી અને તે ક્ષણથી જ તેઓ અમારા મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો હિસ્સો બની ગયા છે. મને હજુ પણ અમારી સાથે જોડાયેલો યુવા રોહિત યાદ છે, અને વર્ષોથી એક ક્રિકેટર, ચેમ્પિયન, સફળ લીડર અને એક અદભૂત પારિવારિક વ્યક્તિ તરીકે તેમને આગળ વધતા જોવા એ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત રહી છે.
આપણે મુંબઈ ઈન્ડિયન્સની 20મી સિઝનને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે રોહિતને ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતા નિહાળવા એ આપણા સહુના માટે અત્યંત ખાસ ક્ષણ છે. તેમણે વર્ષોથી આપણને અનેક અવિસ્મરણીય યાદો આપી છે, અને હું જાણું છું કે તેઓ આપણી પલટન માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે આ નવો અધ્યાય તેમના માટે, આપણી ટીમ માટે અને મુંબઈ ઈન્ડિયન્સના લાખો ચાહકો માટે ગૌરવની અનેક નવી ક્ષણો લઈને આવશે. રોહિત, અમે બધા તમારા માટે ચીયર કરી રહ્યા છીએ!
આકાશ અંબાણીએ જણાવ્યું હતું: અમારી ઐતિહાસિક 20મી સિઝનમાં રોહિત બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીનું નેતૃત્વ કરશે તે વાતથી હું અત્યંત પ્રસન્ન છું. રોહિતનો મુંબઈ ઈન્ડિયન્સ અને અમારી પલટન સાથેનો નાતો ખરેખર અનોખો છે. આગામી સિઝન અંગેની અમારી વાતચીતમાં, આપણે સાથે મળીને શું હાંસલ કરી શકીએ તે અંગે ઉત્સાહ અને મહત્ત્વાકાંક્ષાની સહિયારી ભાવના જોવા મળી છે.
રોહિતના અનુભવ અને નેતૃત્વ તેમજ અમે જે રોમાંચક ટીમ બનાવી રહ્યા છીએ તેની સાથે, આગળ ઘણું બધું હાંસલ કરવાનું છે. અમે એવી ક્રિકેટની રમત રમવા માંગીએ છીએ જેના પર આપણી પલટનને ગર્વ થાય અને સાથે મળીને અનેક ખાસ યાદોનું સર્જન કરી શકીએ.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ મારા જીવનનો એક મોટો હિસ્સો રહ્યું છે, અને આ ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે હંમેશા મારા માટે અત્યંત ગર્વની બાબત રહી છે. આગામી સિઝન અંગે નીતા ભાભી અને આકાશ સાથે મારી વાતચીત અત્યંત રોમાંચક રહી છે, અને અમે હજી ઘણું હાંસલ કરી શકીએ તેનો મને પાક્કો વિશ્ર્વાસ છે.
હું 20મી સિઝન માટે, આગામી પડકારો માટે અને અમારી પલટન માટે સેલિબ્રેટ કરવાની અનેક ક્ષણોનું સાથે મળીને સર્જન કરવા તૈયાર છું. અમે સૌથી વધુ ધ્યાન અમારી આગવી શૈલીમાં ક્રિકેટ રમવા, સાથે મળીને તીવ્ર સ્પર્ધાત્મક રમત રમવા અને રમતનો આનંદ માણવા પર કેન્દ્રિત રહેશે.
રોહિત ટીમને તેની 20મી સિઝનમાં દોરીને લઈ જઈ રહ્યો હોવાથી, મુંબઈ ઈન્ડિયન્સ નવી ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને પલટનના અતૂટ સમર્થન સાથે 2027 તરફ મીટ માંડી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની માલિકી હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI), ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં સૌથી સફળ ટીમોમાંની એક છે, જે પુરુષ અને મહિલા સ્પર્ધાઓમાં ચેમ્પિયનશિપ જીતનારા પ્રદર્શનનો વારસો ધરાવે છે.
OneFamiliyના એક હિસ્સા તરીકે, MIના ભાથામાં હવે 4 ખંડ અને 5 દેશમાં મોજૂદ સાત ટીમો સામેલ છે, જેમાં પુરુષ અને મહિલા બંને ટીમોનો સમાવેશ થાય છે.
કુલ 13 ચેમ્પિયનશીપ ટાઈટલ્સ સાથે, મુંબઈ ઈન્ડિયન્સ વૈશ્ર્વિક ટી20 લીગમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝી છે – જેમાં 5 IPL ટાઈટલ, 2 ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઈટલ્સ, 2 વિમેન્સ પ્રિમિયર લીગ ટાઈટલ્સ, 2 મેજર લીગ ક્રિકેટ ટાઈટલ્સ (MI ન્યૂયોર્ક), તેમજ ઈંકઝ20 (MI અમિરાત્સ) અને SA20 (MI કેપટાઉન)માં 1-1 ટાઇટલ અને ધ હન્ડ્રેડ (ઈંગ્લેન્ડ)માં સ્પર્ધા કરતી MI લંડન (પુરુષ અને મહિલા) સાથેના ટાઇટલ્સનો સમાવેશ થાય છે.


