Friday, September 13, 2024
Homeરાજ્યહાલારભાણવડના શેઢાખાઈમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની કરપીણ હત્યા

ભાણવડના શેઢાખાઈમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની કરપીણ હત્યા

દોઢ વર્ષ પહેલાં મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન : ગામમાં પાનની દુકાન પાસે જ છ શખ્સો દ્વારા કુહાડા અને હથિયારો વડે જીવલેણ હુમલો : મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો : ગણતરીના કલાકોમાં જ પોલીસે છ હત્યારાઓને દબોચી લીધા

- Advertisement -

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા એક બાવાજી યુવાને આજથી આશરે દોઢ વર્ષ પહેલાં આ જ ગામની એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ બહારગામ રહેતા ઉપરોક્ત દંપતિ તેમજ તેમની માસુમ પુત્રી સાથે તેઓ શેઢાખાઈ ગામે પરત આવતા અહીં યુવતીના ભાઈઓ તથા કાકાએ મળીને શનિવારે સાંજે આ યુવાન ઉપર જીવલેણ હુમલો કરી, તેની હત્યા નિપજાવ્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત એવી છે કે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના 24 વર્ષના બાવાજી યુવાનને આ જ ગામના રહીશ ઈશા અબુભાઈ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમના લગ્ન રમઝાના પિતા ઈશાભાઈને સ્વીકાર્ય ન હતા અને રમઝાની સગાઈ જ્યાં તેણીની મરજી વિરુદ્ધ થઈ હતી, ત્યાં જ તેણીના નીકાહ થાય તેમ તેણીના પિતા ઈશાભાઈ દેથા ઈચ્છતા હતા.

રમઝાના પરિવારજનોને પણ આ લગ્ન પસંદ ન હતા. પરંતુ રમઝા પણ યાજ્ઞિકના પ્રેમમાં હોય બંને વર્ષ 2023 ના સમયગાળા દરમિયાન ઘરેથી ભાગી ગયા હતા. જે અંગેની ગુમ નોંધ રમઝાના પિતા ઈશાભાઈ અબુભાઈ દેથાએ તારીખ 7 જાન્યુઆરી 2023 ના રોજ સ્થાનિક પોલીસમાં કરાવી હતી.

- Advertisement -

દોઢેક વર્ષથી શેઢાખાઈ ગામેથી નાસી ગયા બાદ યાજ્ઞિક તેમજ તેના પત્ની રમઝા ઉર્ફે હેતલ બહારગામ રહેતા હતા. અને તેઓને ગત તારીખ 24 જૂન 2024 ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ બંને પોતાના ઘરે અહીં રહેવા આવ્યા હતા. જે રમઝા ઉર્ફે હેતલના પરિવારજનોને પસંદ ન હતું.

આ વચ્ચે શનિવારે બપોરે યાજ્ઞિક જમીને ત્રણેક વાગ્યાના સમય પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેના મિત્ર હરદીપસિંહ વજુભા સાથે ગામના બસ સ્ટેશન પાસે માવો ખાવા ગયો હતો. બસ સ્ટેશન પાસે રમઝા ઉર્ફે હેતલનો ભાઈ સાજીદ ઈશા દેથા અને એક સગીર ઉપરાંત તેણીના કાકા સલીમ હુસેન, આમદ મુસા, જુમા મુસા, ઓસમાણ મુસા ઉર્ફે ભકો અને હોથી કાસમ નામના કુલ સાત પરિવારજનો લોખંડના પાઈપ, કુહાડી અને છરી જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા.

- Advertisement -

મારી નાખવાના ઈરાદાથી બસ સ્ટેશન પાસે આવીને ઉપરોક્ત શખ્સોએ યાજ્ઞિક ઉપર હુમલા કરતા તેના મિત્ર હરદીપસિંહ “રહેવા દયો, રહેવા દયો” કહી અટકાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિ પારખીને તે અહીંથી ચાલ્યો ગયો હતો.

આરોપી આદમે યાજ્ઞિકના પગમાં કુહાડાના ઘા મારી, અન્ય આરોપીઓ પણ હથિયારો વડે તૂટી પડ્યા હતા અને આડેધડ ઘા મારી અને સાજીદ, સલીમ, આમદ તથા જુમો એ “શું કામ ના પાડી તો પણ અમારી દીકરી સાથે લગ્ન કર્યા? આજે તો તને અહીંથી જીવતો જવા દેવો નથી, પતાવી દેવો છ” કેમ કહી બેફામ માર મારી, જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ બનતા યાજ્ઞિકના માતા નિર્મળાબેન તથા તેમના પત્ની રમઝા ઉર્ફે હેતલ અહીં પહોંચી ગયા હતા અને હેતલે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ તાકીદે અહીં પહોંચી ગઈ હતી. યાજ્ઞિકને ઈજાઓ પહોંચાડી, આરોપીઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત એવા યાજ્ઞિકે ઉપરોક્ત બનાવ અંગે તેના માતા તેમજ પત્નીને વિગતવાર વાત કરી હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે.

લોહી લુહાણ હાલતમાં યાજ્ઞિકને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ માર્ગમાં ખૂબ જ કણસતી હાલતમાં સિક્કા ગામ નજીક પહોંચતા જ યાજ્ઞિક બેભાન થઈ ગયા બાદ શનિવારે સાંજે આશરે 7:30 વાગે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચતા ત્યાં ફરજ પરના તબીબોએ યાજ્ઞિકને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના માતા નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સાજીદ ઈશા દેથા (ઉ.વ. 26), સલીમ હુસેન દેથા (ઉ.વ. 32), જુમા મુસા દેથા (ઉ.વ. 40), આદમ મુસા ઉર્ફે આદુ (ઉ.વ. 42), ઓસમાણ મુસા ઉર્ફે ભકો દેથા (ઉ.વ. 42), હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા (ઉ.વ. 27) અને એક સગીર સહિત સાત શખ્સો સામે ભાણવડ પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં છ શખ્સોની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓને આજે સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

યુવાનની હત્યાનો આ બનાવ બનતા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. નાના એવા શેઢાખાઈ ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા છ આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે ઘાતકી હત્યાના આ સમગ્ર બનાવે નાના એવા શેઢાખાઈ ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

આ સમગ્ર કાર્યવાહી સી.પી.આઈ. યુ.કે. મકવા, એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી.ના પી.આઈ. પી.સી. સિંગરખીયા, ભાણવડના પી.એસ.આઈ. કે.કે મારુ, એન.એન. વાળા તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતની ટીમ દ્વાર કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular