ધ્રોલ તાલુકાના સોયલથી નથુવડલા જવાના માર્ગ પરના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં ગુરૂવારની રાત્રિના સમયે સાત શખ્સો ત્રાટકયા હતાં અને ધંધા ખાર રાખી યુવાન ઉપર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી રૂા.70 હજારની રોકડ રકમ અને બે મોબાઇલ ફોનની લૂંટ ચલાવી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે હુમલો અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલથી 9 કિ.મી. દૂર સોયલથી નથુ વડલા જવાના માર્ગ પર શૈલેષ હીરજી પરમાર નામના યુવાનનું ખેતર આવેલ છે અને આ ખેતરે શૈલેષ તથા તેનોભઈ સવજી ગુરૂવારે રાત્રિના સમયે રોકાયા હતાં તે દરમિયાન ટીડા વજા ભરવાડ, હકા ટીડા ભરવાડ, નવધણ ટીડા ભરવાડ, સંજય ટીડા ભરવાડ, નોંધા સોડા ભરવાડ, સોડા વજા ભરવાડ, ક્રિપાલસિંહ ઉર્ફે કવો મહિપાલસિંહ જાડેજા નામના સાત શખ્સો બે કારમાં શૈલેષના ખેતરે ધસી આવ્યાં હતાં અને શૈલેષ હીરજી ઉપર ધંધાનો ખાર રાખીને લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કરી બન્ને પગમાં તથા જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી તેમજ શૈલેષ પાસે રહેલી રૂા.70 હજારની રોકડ રકમ અને બે મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી અપશબ્દો બોલી નાશી ગયા હતાં.
ત્યારબાદ આ બનાવ અંગેની શૈલેષ હીરજી પરમાર દ્વારા તેના ભાઈ સવજીને જાણ કરાતા સવજી તથા પરિવારજનો ખેતરે દોડી આવ્યાં હતાં અને શૈલેષને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની સવજી દ્વારા જાણ કરાતા એસસીએસટી સેલના ડીવાયેઅસપી તથા સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે સવજીના નિવેદનના આધારે ધંધાનો ખાર રાખી સાત શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ તથા એટ્રોસિટીનો ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.