દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતા યુવાન સહિતનાઓને વિદેશ જવાની લાલચ આપી અસલ પાસપોર્ટ તથા રોકડ રકમ પડાવી લઇ જામનગરના શખ્સે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં આવેલા ગિરધરનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં ગજેન્દ્રનાથ ખીરનાથ કંથરાય (ઉ.વ.35) નામના યુવાન સહિતનાઓને જામનગરમાં એરપોર્ટ પાસે આવેલી મયૂર સોસાયટીમાં રહેતાં રાજેન્દ્ર મૂળુ રાજગોર નામના શખ્સે વાતચીત દરમ્યાન વિશ્વાસમાં લઇ વિદેશ જવાની લાલચ બતાવી ગજેન્દ્રનાથ પાસેથી તેનો અસલ પાસપોર્ટ અને રૂા. 95 હજાર રોકડા પડાવી લીધા હતા. તેમજ અન્ય વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓ પાસેથી તેમનો પાસપોર્ટ અને રૂા. 29,500ની રકમ પડાવી લીધી હતી. આમ, બે વ્યક્તિઓને વિદેશ મોકલવાની લાલચ આપી તેમની પાસેથી રૂા. 1,24,500ની રોકડ રકમ મેળવી લઇ વિશ્વાસઘાત કર્યો હતો. અવારનવાર પૈસાની માંગણી અથવા તો વિદેશ મોકલવાની માંગણી કરવા છતાં રાજેન્દ્ર દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર નહીં મળતાં આખરે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફએ ગજેન્દ્રનાથના નિવેદનના આધારે રાજેન્દ્ર વિરૂઘ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


