જામનગર જિલ્લાના સાપર ગામના પાટીયા પાસેથી સીક્કા પાટીયા સુધીના માર્ગ પરથી શનિવારે મધ્યરાત્રિના સપાર થતી ફોર્ચ્યુનર કારના ચાલકે કાર બેદરકારીથી ચલાવતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જવાથી કારમાં બેસેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના સાપર ગામના પાટીયાથી સીક્કા પાટીયા તરફના માર્ગ પર શનિવારે મધ્યરાત્રિના સમયે પૂરઝડપે જઇ રહેલી જીજે-14-એપી-0777 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલક અભિરાજસિંહએ તેની કારનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી જતાં અકસ્માતમાં કારમાં સવાર ઇન્દ્રજીતસિંહ વ્યાસસિંહ, ક્રિપાલસિંહ અને ચાલક અભિરાજસિંહને ગંભીર તથા નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ઈન્દ્રજીતસિંહ વ્યાસસિંહ (ઉ.વ.35) નામના યુવાનનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.તેમજ ચાલક અને અન્ય વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી. બનાવ અંગે મૃતકના બનેવી ચંદ્રપ્રસાદ મલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી બી કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.