જામનગર તાલુકાના શાપરના પાટિયાથી ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બોલેરા પીકઅપ વાહનને આંતરીને પોલીસે તલાશી લેતા તેમાંથી રૂપિયા ત્રણ લાખની કિંમતની 600 બોટલ દારૂ અને બોલેરો સહિત રૂા.6,56,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી. લાલપુર ગામમાંથી પોલીસે શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના શાપર ગામમાં પાટિયાથી ગામમાં જવાના માર્ગ પરથી દારૂના જથ્થા સાથે વાહન પસાર થવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી પસાર થતા જીજે10 ટીટી 1293 નંબરના બોલેરો પીકઅપ વાહનને આંતરીને તલાશી લેતા વાહનમાંથી રૂપિયા ત્રણ લાખની કિંમતની 600 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને રૂા.3.50 લાખની કિંમતની પીકઅપ વાહન અને રૂા.6,500 ની કિંમતના ચાર મોબાઇલ સહિત રૂા.6,56,500ના મુદ્દામાલ સાથે કચ્છના રમેશ હીરા ખીંટ અને રાજકોટના લખમણ મેપા ગળચર નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી અને દારૂનો જથ્થો કોની પાસેથી ખરીદ કરી અને કોને આપવા જતા હતા તે અંગેની વિગતો મેળવવા તપાસ આરંભી હતી.
લાલપુર ગામમાં ભૂગર્ભ પાણીના ટાંકા પાસેથી પસાર થતા હસમુખ ઉર્ફે હકો મગન સાદરિયા નામના શખ્સને પોલીસે આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂપિયા 500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
જામનગરના શાપર નજીક પીકઅપ વાહનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
બે શખ્સોને 600 બોટલ દારૂ સાથે દબોચ્યા: ત્રણ લાખનો દારૂ અને 3.50 લાખનું વાહન અને મોબાઇલ સહિત કુલ રૂા.6.56 લાખનો મુદ્દામાલ કબ્જે: સિક્કા પોલીસ દ્વારા બુટલેગરોની પૂછપરછ: લાલપુરમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે