જામનગર વન વિભાગની આર.એફ.ડબલ્યુ. કલ્યાણપુર રેન્જ દ્વારા મગરોના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકામાં જળાશયોમાં પાણીનું પ્રમાણ ઘટતા મગરો રહેણાંક તથા વાડી વિસ્તારો તરફ આવી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે.
તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ દિવસ દરમિયાન ત્રણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના આશરે 11 વાગ્યે કનકપર માડી વાડી વિસ્તારમાં વધુ એક મગર હોવાની જાણ આર.એફ.ડબલ્યુ. કલ્યાણપુર રેન્જ તથા વાઈલ્ડલાઈફ વોર્ડન જી.એન. માડમને કરવામાં આવી હતી.
View this post on Instagram
માહિતી મળતા વન વિભાગના કર્મચારીઓ પી.જી. નાંદાણીયા અને બી.એમ. ચૌહાણ તેમજ જીવદયા પ્રેમીઓ કિશનભાઈ વાઢિયા અને ગોવાભાઈ ગોજીયાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
રાત્રિના અંધકાર વચ્ચે ટીમે તકેદારીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કુલ ચાર મગરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ બાદ તમામ મગરોને સુરક્ષિત રીતે તેમના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
જળાશયોમાં પાણી ઘટતાં મગરો માનવ વસાહત અને વાડી વિસ્તારો તરફ આવી રહ્યા છે, ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સમયસર રેસ્ક્યુ કામગીરી કરી માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


